ભારતમાં સોનાની આયાત ૬ વર્ષની ટોચેઃ ધૂમ લગ્નો મુખ્ય કારણ

Wednesday 22nd December 2021 06:00 EST
 
 

નવીદિલ્હી: ભારત સરકાર દ્વારા કોરોનાના પ્રતિબંધો હળવા કરાતાં આ વર્ષે દેશમાં ૨.૫ મિલિયનથી વધુ લગ્નો યોજાનાર છે. લોકો ધામધૂમથી લગ્નોમાં મહાલી રહ્યા છે. દેશમાં ધૂમ લગ્નોને કારણે આ વખતે ભારતમાં સોનાની આયાતમાં મોટા પાયે વધારો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ સોનાની આયાત ૬ વર્ષની ટોચે પહોંચી છે. ગયા વર્ષે સોનાની આયાત ૩૫૦ ટન હતી જે આ વર્ષે વધીને ૯૦૦ ટનની સપાટીએ પહોંચી ગઈ છે. કોરોનાના બે વર્ષ વેપાર-ધંધા માટે નબળા ગયા પછી સોના, ચાંદી અને જર-ઝવેરાતના વેપારીઓને બખ્ખા થઈ ગયા છે. સોના, ચાંદી અને ઝવેરાતની માંગમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. સોનાની ચીજવસ્તુઓ તેમજ જર-ઝવેરાત કોઈને ગિફ્ટમાં આપવામાં આવે તેને પવિત્ર ગણાય છે તેથી સોના-ચાંદી જડિત ગિફ્ટ આર્ટિકલ્સની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
લગ્નસરાની ઘરાકી વધારો, ભાવમાં ઘટાડો
સોના-ચાંદી બજારમાં સોનાના ભાવ હાલ ૧૦ ગ્રામદીઠ ૪૯,૫૦૦થી ૫૦,૫૦૦ની આસપાસ ફરે છે. નીચા ભાવ અને માંગમાં વધારાને કારણે સોનું તેમજ સોના-ચાંદીનાં દાગીનાનાં વેચાણમાં વધારો જોવા મળ્યો છે. મુંબઈનાં મેટલ્સ ફોકસના કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ દેશમાં આ વર્ષે લગ્નો મોટી સંખ્યામાં યોજાઈ રહ્યાં છે. આથી લગ્નસરાની ઘરાકી પણ નીકળી છે. ઓક્ટોબરથી ડિસેમ્બરમાં લગ્નસરાની મોસમમાં સોનાની ખરીદી વધી છે. લગ્નમાં અત્યારે કમૂહુર્તા શરૂ થયા છે અને લગ્નસરાનું બીજું રાઉન્ડ ૧૪ જાન્યુઆરી પછી શરૂ થશે.
લાંબાગાળાનાં રોકાણ માટે ખરીદી
દોઢ વર્ષ પછી લોકોનો સોનામાં રોકાણ કરવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. લાંબા ગાળાનાં રોકાણ માટે લોકો સોનું ખરીદી રહ્યાં છે. વિશ્વમાં ભારત સોનાનું બીજા ક્રમનું સૌથી મોટું વપરાશકાર છે. કિંમતી ધાતુની આયાત આને કારણે પણ વધી છે. છેલ્લા બે વર્ષ ખરીદી મુલતવી રાખ્યા પછી લોકોએ હવે કિંમતી રત્નોને બદલે આ વર્ષે સોનાની ખરીદીમાં રસ દર્શાવ્યો છે. સોનાના ભાવ ગયા વર્ષે ટોચે પહોંચ્યા પછી આ વર્ષે થોડા ઘટયા છે. આને કારણે માર્કેટમાં રિકવરી વધી છે. લાંબા ગાળે સોના-ચાંદી માર્કેટમાં તેજી જળવાઈ રહેશે તેવી ધારણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter