ભારતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મૂડીરોકાણનો ધોધ

માત્ર ૩ માસમાં ૧૦ બિલિયન ડોલરનું વિક્રમજનક રોકાણ

Tuesday 19th October 2021 15:19 EDT
 
 

લંડનઃ મહામારી દરમિયાન પણ ભારતની ઈન્ટરનેટ ઈકોનોમીની તકો વિશે રોકાણકારોએ અનુભવેલા તેજીના ટકોરાના પગલે ભારતીય સ્ટાર્ટઅપ્સે સૌપ્રથમ વખત એક ત્રિમાસિક ગાળા - ક્વાર્ટરમાં ૧૦ બિલિયન ડોલરથી વધુ ફંડ એકત્ર કર્યું છે. નવા યુગની કંપનીઓએ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં ૩૪૭ ડીલ્સ સાથે કુલ ૧૦.૭ બિલિયન ડોલર ઉભાં કર્યા હોવાનું PwC Indiaના ‘સ્ટાર્ટઅપ પર્સપેક્ટિવ - ક્યૂ૩ સીવાય૨૧’ નામના રિપોર્ટમાં જણાવાયું છે.
આ આંકડો વર્ષ ૨૦૨૦ના આ જ ત્રિમાસિક સમયગાળામાં એકત્ર કરાયેલા મૂડીરોકાણ કરતાં બમણો તેમજ એપ્રિલ-જૂનના ગાળામાં એકત્ર રકમ કરતાં ૪૧ ટકા વધુ છે. આમાં પણ અડધોઅડધ ભંડોળ તો ત્રણ સેકટર – ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી), એડટેક (એજ્યુકેશનલ ટેક્નોલોજી) અને સોફ્ટવેર-એઝ-એ-સર્વિસ (SaaS)માં જ આવ્યું છે.
ફિનટેક સેક્ટરની બોલબાલા
ભારતની ફાઈનાન્સિયલ ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીએ એક વર્ષ અગાઉની સરખામણીએ ૨૦૨૧ના પ્રથમ નવ મહિનામાં ૪.૬ બિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કરીને લગભગ ચાર ગણો વધારો નોંધાવ્યો છે. માત્ર ત્રીજા ક્વાર્ટરમાં જ ૫૩ ડીલ્સ નોંધાયા હતા. ફિનટેક ઈન્ડસ્ટ્રીની શાખા - ઈન્સ્યોરટેક, વેલ્થટેક, નીઓ-બેન્કિંગ વગેરે ક્ષેત્રે કાર્યરત કંપની પણ ઈન્વેસ્ટર્સને આકર્ષવામાં સફળ રહી છે. ETtechના મતે છ ફિનટેક યુનિકોર્ન્સ - ડિજિટ ઈન્સ્યુરન્સ, ફાઈવ સ્ટાર ફાઈનાન્સ, ક્રેડ, ગ્રો, ઝેટા અને ભારતપેને તો ટંકશાળ પડી છે.
ફંડિંગના તબક્કાઓ
મૂલ્યના સંદર્ભે જોઈએ તો, આ વર્ષે અત્યાર સુધી ફંડિંગ પ્રવૃત્તિની ૮૯ ટકા કામગીરી વૃદ્ધિ અને લેટ-સ્ટેડ કંપનીઓ દ્વારા કરાઈ હતી જે કુલ ડીલ એક્ટિવિટીના ૩૯ ટકા જેટલી છે. અત્યાર સુધી પ્રી-આઇપીઓ ફંડરેઈઝિંગ આશરે ૮૮૦ મિલિયન ડોલરનું થવા જાય છે.
સૌથી મોટાં સ્ટાર્ટઅપ શહેરોની વાત કરીએ તો, બેંગલૂરુ અને દિલ્હી એનસીઆર (નેશનલ કેપિટલ રીજિયન) ૨૦૨૦ના નવ માસ અને ૨૦૨૧ના નવ માસમાં કુલ ફંડિંગ એક્ટિવિટીના ૭૬થી ૭૮ ટકા કામગીરી ધરાવે છે. આ પછીના ક્રમે મુંબઈ અને પૂણે છે.
ભારતના મહત્ત્વના સ્ટાર્ટઅપ શહેરોમાં ૨૦૨૧ના પ્રથમ નવ માસમાં ઈન્વેસ્ટમેન્ટ આ મુજબનું રહ્યું છે. બેંગલુરુમાં ૧૧,૯૫૧ મિલિયન ડોલર્સ (૨૦૨૦ના પ્રથમ નવ માસમાં ૩,૮૯૦ મિલિયન ડોલર્સ) • દિલ્હીઃ ૬,૪૬૩ મિલિ. ડોલર્સ (૨૦૨૦ના પ્રથમ નવ માસમાં ૨,૨૭૫) • મુંબઈઃ ૩,૯૮૮ મિલિ. ડોલર્સ (૨૦૨૦ના પ્રથમ નવ માસમાં ૧,૧૬૧) • પૂણેઃ ૮૪૫ મિલિ. ડોલર્સ (૨૦૨૦ના પ્રથમ નવ માસમાં ૧૮૯)
• ચેન્નાઈઃ ૫૦૪ મિલિ. ડોલર્સ (૨૦૨૦ના પ્રથમ નવ માસમાં ૩૧૬) • હૈદરાબાદઃ ૨૦૨ મિલિ. ડોલર્સ (૨૦૨૦ના પ્રથમ નવ માસમાં ૬૪) અને • અન્ય શહેરોઃ ૧૯૩ મિલિ. ડોલર્સ (૨૦૨૦ના પ્રથમ નવ માસમાં ૯૯ મિલિ. ડોલર્સ).


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter