અમદાવાદ: અમેરિકાની સેન્ડવીચ ચેઇન જીમી જ્હોન્સ ટૂંક સમયમાં ભારતના ફૂડ કોર્ટમાં જોવા મળી શકે છે. પરંપરાગત ફૂડ અને નાસ્તા બનાવતી અને ભારતના સૌથી માટા ફૂડ ગ્રૂપની યાદીમાં આવતી કંપની હલ્દીરામ અમેરિકાની વિખ્યાત બ્રાન્ડ જીમી જ્હોન્સ સાથે ફ્રેન્ચાઈઝીના કરાર કરવાની તૈયારીમાં છે. પશ્ચિમના દેશોમાં ચાલતી ક્વિક સર્વિસ રેસ્ટોરાં જેવી સિસ્ટમ હલ્દીરામ ભારતમાં શરૂ કરવાનું પ્લાનીંગ કરી રહી છે. વિશ્વસ્તરની બે બ્રાન્ડ ડંકિન ડોનટ્સ અને બાસ્કીન-રોબિન્સ આઇસક્રીમ ભારતમાં જોવા મળી રહ્યાં છે.
હલ્દીરામના અગ્રવાલ ફેમિલીની માર્કેટીંગ વ્યૂહરચના એવી છે તે યુવા ગ્રાહકોને આકર્ષવા માંગે છે. તેમજ કંપની સબ-વે અને ટીમ હોર્ટોન્સ જેવી બ્રાન્ડ સાથે સ્પર્ધામાં ઉતરી છે. તે પશ્ચિમના દેશોમાં ચાલતી કાફે સ્ટાઇલ ભારતમાં ઉભી કરવા માંગે છે. એફએમસીજી ગ્રૂપમાં આવતી હલ્દીરામે પોતાના રેસ્ટોરાં બિઝનેસ સાથે ક્વિક સર્વિસનો કોન્સેપ્ટ જોડેલો છે. હાલમાં હલ્દીરામનો રેસ્ટોરાં બિઝનેસ 150 આઉટલેટ સાથેનો છે જે રૂ. 2000 કરોડનું ટર્નઓવર કરે છે.
જીમી જ્હોન્સ 1983માં શરૂ કરાઈ હતી, જે સબ-વે સ્ટાઈલ સેન્ડવીચ વેચે છે. અમેરિકા, કેનેડા, સાઉથ કોરિયા અને યુએઇમાં તેનાં કુલ 2600 રેસ્ટોરાં છે. તેની સેન્ડવીચ બ્રાન્ડનું વેચાણ 2.6 બિલિયન ડોલરનું છે.
હલ્દીરામના ફેમિલીના સભ્યોએ પોતાની બ્રાન્ડના પ્રચાર માટે ફ્રેન્ચાઇઝીનો આઇડિયા અપનાવવા વિચાર્યું છે. હલ્દીરામે તેના દિલ્હી અને નાગપુરના બિઝનેસને એક છત્ર હેઠળ લાવીને હલ્દીરામ સ્નેક ફૂડ નામ આપ્યું છે. નાણા વર્ષ 2024માં તેની રેવન્યુ રૂ. 12,800 કરોડની હતી. ભારતમાં ફૂડ સર્વિસનું માર્કેટ ઉછાળા મારી રહ્યું છે. નેશનલ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ભારતનું ફૂડ સર્વિસ માર્કેટ 2028 સુધીમાં રૂ. .69 લાખ કરોડને પહોંચવાનો અંદાજ આંક્યો છે.


