ભારતમાં હવે યુવા પેઢીને વેક્સિનેશન

Wednesday 21st April 2021 02:56 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના મહામારીના સેકન્ડ વેવમાં રોકેટઝડપે ફેલાઇ રહેલા સંક્રમણને નાથવા માટે ભારત સરકારે નિર્ણાયક પગલું ભરતાં ૧૮ વર્ષથી મોટી વયના તમામને વેક્સિનેશન કરવાની જાહેરાત કરી છે. વેકિસનેશનના પહેલા તબક્કામાં સરકારે સિનિયર સિટિઝન તેમજ અન્ય ગંભીર બીમારી ધરાવતા લોકોને આવરી લીધા હતા. બીજા તબક્કામાં ૪૫ વર્ષથી મોટી વયનાને સમાવી લેવાયા હતા. અને હવે પહેલી મેથી શરૂ થઇ રહેલા વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી મોટા તમામને આવરી લેવાશે.
સ્વાભાવિક છે કે ૧૩૦ કરોડ કરતાં પણ વધુ વસ્તી ધરાવતા દેશ માટે આ એક પડકારજનક લક્ષ્ય છે. આથી જ આ વેક્સિનેશન અભિયાન માટે સરકારે કમર કસી છે અને વેક્સિન ઉત્પાદક કંપનીઓને ઉત્પાદન વધારવા માટે જણાવ્યું છે. હાલ ભારતની વેેક્સિન ઉત્પાદક કંપનીઓ સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયા અને ભારત બાયોટેક પ્રતિ દિન સાત કરોડ ડોઝ તૈયાર કરે છે, અને લગભગ તેટલી જ સંખ્યામાં દર્દીઓને રસી અપાય છે. આમ વેક્સિનેશનના ત્રીજા તબક્કા માટે આ કંપનીઓએ ઉત્પાદન ક્ષમતા વધારવી જ પડશે. આ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ભારત સરકારે સિરમ ઇન્સ્ટિટયુટને રૂ. ૩૦૦૦ કરોડ જ્યારે ભારત બાયોટેકને રૂ. ૧૫૦૦ કરોડ એડવાન્સ પેમેન્ટ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે સિરમ ઇન્સ્ટિટ્યુટ કોવિશીલ્ડનું જ્યારે ભારત બાયોટેક કોવેક્સિનનું ઉત્પાદન કરે છે.
આ ઉપરાંત ભારત સરકારે રશિયાની સ્પૂતનિક-Vના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે, જે નજીકના દિવસોમાં ભારત આવી પહોંચે તેવી શક્યતા છે. તો સાથોસાથ ભારતે અન્ય દેશોમાંથી પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંજૂર થયેલી વેક્સિન મેળવવા યુદ્ધના ધોરણે પ્રયાસ શરૂ કર્યા છે.

ભારતમાં કોરોનાની ભયાવહ રફતાર

ભારતભરમાં કોરોના મહામારીનો સેકન્ડ વેવ ભયાવહ રફતાર ધારણ કરી ચૂક્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં રવિવારે અત્યાર સુધીના સૌથી વધુ ૨,૬૧,૫૦૦ નવા કોરોના સંક્રમિત નોંધાયાં હતાં. તો કુલ મૃત્યુઆંક ૧,૮૦,૫૩૦ થયો છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે દેશમાં કોરોનાના કેસ નોંધાવાનો પોઝિટિવિટી રેટ છેલ્લા ૧૨ દિવસમાં ૮ ટકાથી વધીને ૧૬.૬૯ ટકા પર પહોંચી ગયો છે. કોરોનાની આવી રફતાર ભારતે ક્યારેય જોઇ નથી. તેનો અર્થ એ થયો કે દર ૧૦૦ ટેસ્ટમાં ૧૭ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ૧ મહિનામાં નેશનલ વીકલી પોઝિટિવિટી રેટ ૩.૦૫ ટકાથી વધીને ૧૩.૫૪ ટકા પર પહોંચી ગયો છે. સૌથી વધુ ભયજનક પોઝિટિવિટી રેટ ધરાવતા રાજ્યોમાં દિલ્હી ૩૦ ટકા, છત્તીસગઢ ૩૦.૩૮ ટકા, ગોવા ૨૪.૨૪ ટકા, મહારાષ્ટ્ર ૨૪.૧૭ ટકા, રાજસ્થાન ૨૩.૩૩ ટકા અને મધ્યપ્રદેશ ૧૮.૯૯ ટકા સાથે ટોચ પર છે.
દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૮ લાખનો આંક વટાવી ગઇ છે. એટલે કે કોરોનાના આટલા સક્રિય દર્દી હોસ્પિટલ અથવા ઘરોમાં સારવાર લઇ રહ્યાં છે.
યુવાનો-બાળકો સંક્રમિત થઇ રહ્યા છે
દિલ્હી સ્થિત એક ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના જણાવ્યા અનુસાર દેશમાં હવે ઉંમરલાયક વ્યક્તિઓની સરખામણીમાં યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. તે ઉપરાંત તેમનામાં કોરોનાના લક્ષણ પણ અલગ છે. ઘણા યુવાનો મોં સૂકાવુ, પેટમાં દુખાવો, બેચેની, ડાયેરિયા, આંખ લાલ થવી અને માથાના દુખાવા જેવા લક્ષણો લઇને સંક્રમિત થઇ રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં ડબલ મ્યૂટન્ટ
દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત એવા મહારાષ્ટ્રમાંથી જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયેલા ૫૦ ટકા સેમ્પલમાં ભારતનો ડબલ મ્યૂટન્ટ કોરોના વેરિઅન્ટ મળી આવ્યો હતો. તેમાં મોટાભાગના સેમ્પલ વિદર્ભનાં છે. ડબલ મ્યૂટન્ટ વાઇરસ ૧૦ રાજ્યોમાં ફેલાઇ ચૂક્યો છે.
ઓક્સિજનની તીવ્ર માગ
દેશમાં કોરોના મહામારી બેકાબુ બની રહી છે ત્યારે સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા ઓકસીજનની માંગ વધી રહી છે. સારવાર લઇ રહેલા પોઝિટીવ દર્દીઓમાં ઓકસીજનનું પ્રમાણ ઘટી જાય ત્યારે કૃત્રિમ રીતે ઓકસીજન આપવો આવશ્યક બની જાય છે. ઓકસીજન થેરાપીના અભાવે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થઇ રહયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહયો છે. મુંબઇ, નાસિક, નાગપુર અને પુણે જેવા શહેરોમાં હોસ્પીટલોના બેડ ફૂલ જોવા મળી રહયા છે ત્યારે ઓકસીજન ઉત્પાદકોને સ્ટોકનો ૮૦ ટકા હિસ્સો મેડિકલ સારવાર માટે રાખવાની સૂચના આપવામાં આવી છે. એક માહિતી મુજબ ભારતમાં દર્દીઓની સારવાર માટે દરરોજ ૩૦૦૦ મેટ્રીક ટન ઓકસીજનની જરુર પડે છે. કોરોના મહામારી પહેલા ૭૫૦ ટન મેડિકલ ઓકસીજનનું ઉત્પાદન થતું હતું. હાલમાં મહારાષ્ટ્રમાં જ ઓકસીજનની રોજની જરુરીયાત ૭૦૦ મેટ્રીક ટન થઇ છે.
આર્થિક ક્ષેત્રે અસર થશેઃ નીતિ આયોગ
નીતિ આયોગે કહ્યું છે કે દેશમાં કોરોના મહામારીની બીજી લહેર અગાઉ કરતા વધુ ખતરનાક છે, જેની અસર સ્વાસ્થ્ય ક્ષેત્ર ઉપરાંત કન્ઝ્યુમર અને ઇન્વેસ્ટર બન્નેના સેન્ટિમેન્ટમાં મોટી અનિશ્ચિતતા પેદા કરી શકે છે. સાથે તેમણે ચેતવ્યા હતા કે દેશે આ સ્થિતિને પહોંચી વળવાની પણ તૈયારી રાખવી જરૂરી છે. નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે રવિવારે કહ્યું કે મને આશા છે કે સરકાર આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે પણ યોગ્ય પગલા લેશે. તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધુ ખતરનાક છે અને વર્તમાન સ્થિતિ પણ મુશ્કેલ ભરી છે. હાલ દેશને કોરોનાએ પુરી રીતે જકડીને રાખ્યો છે. દેશમાં કોરોનાને કારણે થઈ રહેલા મૃત્યુની સંખ્યા વધી રહી છે. અનેક રાજ્યોમાં કોરોના સામે પહોંચી વળવા માટે પ્રતિબંધો લાગુ કર્યા છે.
• તામિલનાડુમાં દરેક રવિવારે સંપૂર્ણ લોકડાઉન, બિહારમાં કોરોના કરફ્યૂ
• છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન ૨૬ એપ્રિલ સુધી લંબાવાયું
• બિહારમાં ૧૫ મે સુધી કોરોના કરફ્યૂ. શાળા-કોલેજ, મોલ, થિયેટર, ક્લબ, પબ્લિક પાર્ક, ધાર્મિક સ્થળો બંધ.
• તામિલનાડુમાં નાઇટ કરફ્યૂ, દરેક રવિવારે સંપૂર્ણ લોકડાઉન.
• ઉત્તરાખંડમાં ધો. ૧૦ની પરીક્ષા રદ, ધો.૧૨ની પરીક્ષા મોકૂફ,રાજ્યમાં આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ સિવાય પ્રવેશ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter