ભારતમાં ૨૦૩૫ સુધીમાં શહેરી વસતિ ૬૭.૫ કરોડ થઇ જશેઃ યુએન

Sunday 10th July 2022 07:09 EDT
 
 

નવી દિલ્હીઃ યુનાઇટેડ નેશન્સ (યુએન)નો શહેરી વસતિનો અહેવાલ રજૂ થયો છે. અહેવાલ પ્રમાણે ભારતમાં 2023 સુધીમાં શહેરી વસતિમાં નોંધપાત્ર વધારો થશે. 2035માં ભારતની 67.5 કરોડ વસતિ શહેરોમાં રહેતી હશે. એશિયાની કુલ વસતિમાંથી 300 કરોડ લોકો શહેરોમાં રહેતા હશે. સૌથી વધુ 100 કરોડ લોકો ચીનના શહેરોમાં રહેતા હશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના શહેરી વસતિ-2022ના અહેવાલમાં કહેવાયું હતું કે વિશ્વની વસતિનું સતત શહેરીકરણ થઈ રહ્યું છે એ કોરોનાકાળ પછી પણ યથાવત રહેશે. કોરોનાકાળ પછી શહેરીકરણ ઘટશે એવી થિયરી વ્યક્ત થતી હતી. જોકે, શહેરીકરણનો ટ્રેન્ડ યથાવત રહેશે.
અહેવાલ પ્રમાણે 2035માં ચીનની વસતિમાંથી 100 કરોડ કરતાં વધુ લોકો શહેરોમાં રહેતા થઈ જશે. 67.5 કરોડની શહેરી વસતિ સાથે ભારત આ યાદીમાં બીજા ક્રમે હશે. ભારતમાં 2020માં 48 કરોડ કરતાં વધુ લોકો શહેરોમાં રહેતા હતા. 2025માં એ આંકડો વધીને 54 કરોડ જેટલો થઈ જશે. ત્યારબાદ બીજા 10 વર્ષમાં એમાં મોટો ઉછાળો આવશે અને 2035માં ભારતના 67.5 કરોડ લોકો શહેરોમાં રહેતા થઈ જશે.
2035માં એશિયામાં સૌથી વધુ 300 કરોડ લોકો શહેરોમાં રહેતા હશે. એમાંથી 100 કરોડ લોકો તો એકલા દક્ષિણ એશિયાના જ શહેરોમાં રહેતા હશે. અહેવાલ પ્રમાણે 19મી અને 20મી સદીમાં જે રીતે શહેરીકરણ મહત્વનું પરિબળ બન્યું હતું એ જ રીતે 21મી સદીમાં પણ શહેરીકરણ બહુ જ મોટું પરિબળ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter