ભારતમાં ‘યુનિકોર્ન’ સ્ટાર્ટઅપ્સની સંખ્યા 100ને પાર

Monday 16th May 2022 10:05 EDT
 
 

મુંબઈઃ ભારતમાં એક બિલિયન ડોલરથી વધુનું મૂલ્યાંકન ધરાવતા એટલે કે ‘યુનિકોર્ન’ સ્ટાર્ટઅપ્સની સંખ્યા 100ના આંકડાને વટાવી ગઈ છે. ફિનટેક સેગમેન્ટનું સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન ટ્રેકર 'ઓપન' 100મું યુનિકોર્ન બની ગયું છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ એડવર્ટાઈઝીંગ કંપની ઈનમોબી યુનિકોર્ન સ્ટેટસ હાંસલ કરનાર પ્રથમ ભારતીય સ્ટાર્ટઅપ હતી. તેણે 2011માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. દેશમાં પ્રથમ યુનિકોર્ન 2011 માં જાહેર થયું હતું. અને હવે 11 વર્ષ બાદ ભારત 100મા ભારતીય યુનિકોર્નનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. આ તમામ યુનિકોર્નએ 333 બિલિયન ડોલરના મૂલ્યાંકન પર 90 બિલિયન ડોલર એકત્ર કર્યા છે. 2021થી યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્ટાર્ટઅપ સંસ્થાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
વેન્ચર ઈન્ટેલિજન્સ અનુસાર, 2021માં દર મહિને ઓછામાં ઓછા 3-4 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્નના જૂથમાં જોડાયા અને તેમની સંખ્યા વધીને 33 થઈ ગઈ છે. જ્યાં સુધી મૂડી એકત્ર કરવાની વાત છે, 2021 માં 1,579 સોદાઓ દ્વારા કુલ 42 બિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા.
આયર્ન પિલર ફંડ અનુસાર, યુનિકોર્નની સંખ્યા હવે ઝડપથી વધી રહી છે અને તેમાંથી અડધાને આ સિદ્ધિ હાંસલ કરવામાં પાંચ વર્ષથી ઓછો સમય લાગ્યો છે. આમાંથી લગભગ 8 ટકા સ્ટાર્ટઅપ સાડા સાત વર્ષથી ઓછા સમયમાં યુનિકોર્ન બની ગયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter