હરિદ્વારઃ સુપ્રસિદ્ધ ભારતમાતા મંદિરના સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદજી ૨૫ જૂને વહેલી સવારે બ્રહ્મલીન થયા છે. બુધવાર - ૨૬ જૂને તેમને હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં અશ્રુભીની આંખે વિધિપૂર્વક સમાધિ આપવામાં આવી હતી. પાંચેક દિવસની બીમારી પછી સોમવારે તેમની સ્થિતિ સ્વાસ્થ્યની દૃષ્ટિએ અતિ ગંભીર જણાવવામાં આવી હતી. ૮૬ વર્ષના સ્વામી સત્યમિત્રાનંદજીને ફેફસાંમાં ટ્યૂમર થયું હોવાનું તબીબોએ નિદાન કર્યું હતું. જીવનના છેલ્લા દિવસોમાં તેમને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ થઈ રહી હતી. શ્વાસની બીમારીના કારણે તેઓ ઘણા અસ્વસ્થ હતા. કેટલાક દિવસ પહેલાં જ તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બાદમાં સ્વામીજીને તેમના નિવાસમાં જ એક રૂમમાં આઈસીયુની સુવિધા ઊભી કરીને રાખવામાં આવ્યા હતા.
દેશ-વિદેશથી ભક્તોનો પ્રવાહ
તેમની ગંભીર સ્થિતિના કારણે સોમવારે દેશ-વિદેશથી ભક્તો તેમની ખબર જોવા પણ આવ્યા હતા. એ સૌને બહારથી જ સ્વામીના દર્શન કરાવવામાં આવતા હતા. આધ્યાત્મિક જગતની અતિ પ્રખ્યાત હસ્તીઓમાં સામેલ સ્વામી સત્યામિત્રાનંદજીને વર્ષ ૨૦૧પમાં ભારત સરકારે પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા હતા.
ભારતમાતા મંદિરની સ્થાપના
સ્વામી સત્યમિત્રાનંદજીએ વર્ષ ૧૯૮૩માં હરિદ્વારમાં ભારત માતા મંદિરની સ્થાપના કરી હતી. તેમણે ૬૫થી વધારે દેશોની યાત્રા કરી હતી. ૨૯ એપ્રિલ ૧૯૬૦ અક્ષય તૃતિયાના દિવસે ૨૬ વર્ષની ઉંમરે જ્યોતિર્મઠ ભાનપુરા પર જગદ્ગુરુ શંકરાચાર્યપદે પર તેમની વરણી કરવામાં આવી હતી. ભાનપુરા પીઠના શંકરાચાર્ય તરીકે તેમણે નવ વર્ષ સુધી ધર્મ અને માનવસેવાના કાર્યો કર્યા પછી તેમણે ૧૯૬૯માં સ્વયંને શંકરાચાર્ય પદ પરથી મુક્ત કર્યાં હતાં.
બાલ્યકાળથી આધ્યાત્મમાં રુચિ
સ્વામી સત્યામિત્રાનંદ ગિરિજીનો પરિવાર મૂળત: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં વસવાટ કરતો હતો. ધાર્મિક વાતાવરણ ધરાવતા સ્વામી સત્યામિત્રાનંદજીના પરિવારે સ્વામીજીનું નામ અંબિકા પ્રસાદ રાખ્યું હતું. પાંડે પરિવારમાં ઉછરતાં અંબિકા પ્રસાદમાં બાલ્યકાળથી ધાર્મિક સંસ્કારો કેળવાયા હતા. તેઓ બાલ્યાવસ્થાથી અધ્યાત્મમાં વિશેષ રુચિ ધરાવતા હતા. અંબિકા પ્રસાદે સાંસારિક જીવનમાંથી બહુ નાની ઉંમરે જ સંન્યાસ ધારણ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. સંન્યાસ પછીથી તેમને સ્વામી સત્યામિત્રાનંદજી નામ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમના પિતા શિવશંકર પાંડેને પણ રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાનની શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ પાઠવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, સ્વામી સત્યામિત્રાનંદગિરિજી અધ્યાત્મના ખરા પ્રણેતા હતા. તેમણે ગરીબ-ધનવાનના ભેદ વગર અધ્યાત્મના અનુયાયીઓને સાચું શિક્ષણ આપીને પ્રોત્સાહન આપ્યું છે. સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને વારસા માટે તેઓ ગર્વ અનુભવતા હતા. પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, સ્વામી સત્યામિત્રાનંદ ગિરિના નિધનથી દુઃખી છું. તેમણે ભારતીય સમાજને સમૃદ્ધ બનાવવા યોગદાન સાથે પોતાનું જીવન આપ્યું હતું. ગરીબો અને પછાતોના તારણહાર સ્વામીજીને વંદન...
ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, સ્વામી સત્યામિત્રાનંદ ગિરિજી માતા ભારતીના ખરા ઉપાસક હતા. તેમનું જ્ઞાન અને તત્ત્વચિંતન હંમેશાં દેશને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરાં પાડતાં રહેશે. તેમના અનુયાયીઓને સાંત્વના અર્પું છું.