ઇન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રવાસી ભારતીય દિવસનું અનેક રીતે મહત્વ છે. અહીં યોજાયેલું પ્રદર્શન ભારતનાં સ્વર્ણિમ ઈતિહાસની ઝાંખી કરાવે છે. વિદેશમાં વસતા ભારતીયોમાં વસુધૈવ કુટુંબકમની ભાવના ઉજાગર થાય છે. દર વર્ષે નવમી જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. મોદીએ આ પ્રસંગે ખાસ ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું.
વિદેશમાં વસતાં ભારતવંશીઓના સન્માનમાં 2003થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ થઈ છે. ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા તે દિવસને પસંદ કરીને દર વર્ષે નવમી જાન્યુઆરીએ આ ઉજવણી થાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 9 જાન્યુઆરી, 1915ના રોજ મુંબઈ આવ્યા હતા. કોરોનાકાળના વિરામ બાદ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં 17મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો હતો.


