કોટ્ટાયમઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે. ટી. થોમસે તાજેતરમાં નિવેદન કર્યું હતું કે, આર્મી અને બંધારણ પછી આરએસએસને કારણે ભારતીયો સુરક્ષિત છે. આ નિવેદનને કારણે નવો વિવાદ જાગ્યો છે. થોમસે આરએસએસનાં વખાણ કરતાં સંઘના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, સંઘની નીતિ અને કાર્યોને કારણે જ લોકો સુરક્ષિત છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને જસ્ટિસ થોમસના વિચારોને શેર કર્યાં હતાં.
સંઘને કારણે ઈમરજન્સી ટળી હતી
થોમસે કહ્યું હતું કે, સંઘના પ્રયાસોને કારણે જ ઇમરજન્સીની ગંભીર સ્થિતિમાંથી દેશ બહાર આવી શક્યો હતો. થોમસે કહ્યું હતું કે સંઘની શાખાઓમાં સ્વયંસેવકોને શિસ્તપાલનનું શિક્ષણ મળે છે. ઇમરજન્સી વખતે સંઘની કુશલ રણનીતિ અને સંગઠિત શિક્ષણને કારણે જ તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને દેશમાંથી ઇમરજન્સી હટાવવી પડી હતી.
જસ્ટિસ થોમસનો પરિચય
જસ્ટિસ થોમસ ૧૯૯૬માં સુપ્રીમ કોર્ટમાં જજ નિયુક્ત થયાં હતા. ૨૦૦૭માં તેમણે ન્યાય ક્ષેત્રે તેમજ સામાજિક સુધારણા માટે મહત્ત્વની કામગીરી બજાવી હતી. આથી ૨૦૦૭માં તેમણે પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.