ભારતીય અર્થતંત્રને બુસ્ટર ડોઝઃ ૧૦ બિલિયન ડોલરનું પેકેજ

Friday 16th October 2020 05:49 EDT
 
 

નવી દિલ્હી: કોરોનાકાળમાં મંદ પડેલા દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરવા મોદી સરકારે રૂ. ૭૩,૦૦૦ કરોડનું (અંદાજે ૧૦ બિલિયન ડોલર)ના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને આંશિક વેતનની આગોતરી ચૂકવણી અને એલટીસી (લીવ ટ્રાવેલિંગ કન્સેશન)ના બદલામાં રોકડનો સમાવેશ થાય છે. પેકેજનો મુખ્ય હેતુ તહેવારોના સપરમા દિવસોમાં ગ્રાહક માગ અને રોકાણને પ્રોત્સાહિત કરવાનો છે.
દેશમાં શનિવારથી નવલા નવરાત્રિના પર્વના પ્રારંભ સાથે જ તહેવારોની હારમાળા શરૂ થઇ રહી છે. કોરોના મહામારીના કારણે અર્થતંત્રને જંગી ફટકો પડ્યો છે. આ નુકસાનને કંઇક અંશે સરભર કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે સરકારે આ યોજના જાહેર કરી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને એડવાન્સમાં ભથ્થાંની ચૂકવણી કરાશે તેમજ એલટીસી માટે આપવામાં આવતી રકમ રોકડમાં અપાશે. કેન્દ્ર સરકારે ગયા મે મહિનામાં જાહેર કરેલા રૂ. ૨૦ લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત’ રાહત પેકેજ કરતાં આ પેકેજ અલગ રહેશે.
નાણા પ્રધાન નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે દિવાળીમાં માંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અને પીએસયુના કર્મચારીઓને એલટીસી એલાઉન્સ અને એડવાન્સ પેટે રૂ. ૧૧,૫૭૫ કરોડની ચૂકવણી કરાશે. જોકે, કર્મચારીઓએ આ રોકડ ૩૧મી માર્ચ પહેલાં નોન-એસેન્સિયલ ગુડ્સ પર ખર્ચ કરવાની રહેશે. વધુમાં રાજ્યને મૂડી ખર્ચ માટે ૫૦ વર્ષની વ્યાજ મુક્ત લોન સ્વરૂપે અલગથી રૂ. ૧૨,૦૦૦ કરોડ અપાશે જ્યારે કેન્દ્ર સરકાર માર્ગ, સંરક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જળ પુરવઠા અને શહેરી વિકાસ પર વધારાના રૂ. ૨,૫૦૦ કરોડનો ખર્ચ કરશે. આ બધાં જ પગલાં સાથે વધારાની રૂ. ૭૩,૦૦૦ કરોડની માગ ઊભી કરી શકાશે.
વડા પ્રધાન મોદીએ નાણા પ્રધાન નિર્મલા સિતારામનની જાહેરાતને આવકારી હતી અને કહ્યું હતું કે તહેવારોના સમયમાં આ જાહેરાતથી અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.

સરકારી કર્મચારીને કેશ વાઉચર

નાણા પ્રધાન નિર્મલા સિતારમને સરકારી કર્મચારીઓને એલટીસીને બદલે કેશ વાઉચર અને ૧૦,૦૦૦ રૂપિયાની ફેસ્ટિવલ એડવાન્સ રકમ આપવાની જાહેરાત કરી છે. દિવાળીના તહેવારોની સિઝનમાં માગ વધારવા અને અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓને આપવામાં આવનાર કેશ વાઉચર ટેક્સ ફ્રી હશે. જોકે આ કેશ વાઉચરનો ઉપયોગ કર્મચારીઓએ ૧૨ ટકા જીએસટી ધરાવતી વસ્તુઓ ખરીદવા માટે કરવો પડશે. આ શરતને કારણે કર્મચારીઓ આ વાઉચરની મદદથી ખાદ્ય વસ્તુઓ ખરીદી શકશે નહીં.
નાણાપ્રધાને કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચાર વર્ષના બ્લોકમાં એલટીસીનો લાભ મળે છે. જેમાં તેઓ એક વખત વતન અને એક વખત ભારતમાં કોઇ પણ સ્થળે જઇ શકે છે અથવા તો બે વખત વખત વતન જઇ શકે છે. જોકે કોવિડ-૧૯ના કારણે અત્યારે લોકો બહાર ફરવાનું ટાળી રહ્યા છે. આ સ્થિતિમાં સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને એલટીસી સામે રોકડની ચુકવણીનો નિર્ણય કર્યો છે. જેમાં લીવ એન્કેશમેન્ટની સંપૂર્ણ ચુકવણી તેમજ જે તે કર્મચારીને લાગુ પડતા ભથ્થા અનુસાર ત્રણ રેટ સ્લેબમાં રેલવે કે હવાઇ ભાડાની રકમ ચૂકવવામાં આવશે. ભાડાની રકમ કરમુક્ત રહેશે. જોકે આ સ્કીમ પસંદ કરનાર કર્મચારીએ ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલાં ભાડાં કરતાં ત્રણ ગણી રકમના ગૂડ્સ કે સર્વીસીસની ખરીદી અને લીવ એન્કેશમેન્ટની રકમ જેટલો જ ખર્ચ કરવાનો રહેશે.

રૂ. ૧૦ હજાર કરોડની ‘સેલરી લોન’

સરકારે આર્થિક પેકેજના ભાગરૂપે તેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તહેવારોના એડવાન્સ પેટે રૂ. ૧૦,૦૦૦ કરોડની ‘સેલરી લોન’ આપવાનો નિર્ણય લીધો છે. એલટીસીના બદલામાં રોકડ અને એડવાન્સ સેલરી લોનના બે પગલાંથી લગભગ રૂ. ૨૮,૦૦૦ કરોડની ગ્રાહક માગ ઉભી થવાનો અંદાજ છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે ‘ખાનગી ક્ષેત્ર પણ લગભગ સરકાર જેટલા જ એલટીસી સામે રોકડ અને અન્ય લાભ આપશે તેવી શક્યતા છે. એવું થશે તો રૂ. ૧ લાખ કરોડની વધારાની માગ ઉભી થવાનો અંદાજ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter