ભારતીય અર્થતંત્રને લગ્નસરાનો બુસ્ટર ડોઝ સિઝનમાં રૂ. 7.5 લાખ કરોડનો વેપાર થશે

Sunday 29th November 2026 04:40 EST
 
 

નવી દિલ્હીઃ વિશ્વના મોટા ભાગના દેશોમાં મંદી અને અસ્થિરતાનો માહોલ છે ત્યારે ભારતીય અર્થતંત્ર વધુ એક બુસ્ટર ડોઝ મેળવવા સજ્જ થઇ ગયું છે. દિવાળીના તહેવારોના સપરમા દિવસોમાં ધુમ વેપાર કર્યા બાદ હવે વેપારીઓને લગ્નસરાની સિઝનમાં સારો વેપાર થવા આશા છે.
એક અહેવાલ અનુસાર, દેવઉઠી એકાદશી એટલે કે 21 નવેમ્બરથી શરૂ થયેલી અને 15 ડિસેમ્બર સુધી ચાલનારી લગ્નસરાની સિઝનમાં દરમિયાન યોજાનારા અંદાજે 52 લાખ લગ્નો દ્વારા 7.5 લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાની અપેક્ષા છે. આનાથી સ્થાનિક વપરાશને મોટો વેગ મળશે અને અંદાજે 1.25 કરોડ હંગામી અને મોસમી રોજગારીની તકો ઊભી થશે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇંડિયા ટ્રેડર્સ (CAIT)ના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ અંદાજ લગ્ન સિઝન દરમિયાન ચીજવસ્તુઓ અને સેવાઓ બંનેના વેચાણને આવરી લે છે. કુલ અંદાજિત વેપારમાં ચીજવસ્તુઓ અને રિટેલ ખરીદીનો હિસ્સો4.05 લાખ કરોડ રૂપિયાનો રહેશે. જ્યારે સર્વિસ સેક્ટરનો ફાળો 3.45 લાખ કરોડ રૂપિયા રહેશે. ચીજવસ્તુઓની ખરીદીમાં સૌથી મોટો હિસ્સો રૂ. 1.2 લાખ કરોડ સાથે જવેલરી અને કિંમતી ધાતુઓનો રહેવાની અપેક્ષા છે. ત્યારબાદ રૂ. 90,000 કરોડ સાથે વસ્ત્રો, સાડીઓ અને ગારમેન્ટ્સનો ક્રમ આવે છે.
કેટરિંગ અને ફૂડ સર્વિસીસ દ્વારા રૂ. 75,000 કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે, જ્યારે મેરેજ વેન્યુ, બેન્ક્વેટ હોલ અને હોટેલ્સનો હિસ્સો રૂ. 60,000 કરોડ રૂપિયા રહી શકે છે. માત્ર દિલ્હી એનસીઆરમાં જ લગભગ 5 લાખ લગ્નો યોજાવાની અપેક્ષા છે.
લગ્નમાં AI-આધારિત વેડિંગ પ્લાનિંગનો પણ ટ્રેન્ડ છે. 52 લાખ લગ્નોમાંથી થનારો અંદાજિત વેપાર ભારતના સ્થાનિક બજાર અને ગ્રાહક માંગની મજબૂતાઈ દર્શાવે છે. પરિવારો સ્થાનિક વસ્તુઓ વાપરશે તો વેપારીઓને પણ ટેકો મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter