ભારતીય અર્થતંત્રનો હાથી હવે દોડવા માંડ્યો છેઃ આઇએમએફ

Saturday 18th August 2018 02:02 EDT
 
 

વોશિંગ્ટનઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નું કહેવું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપી ગતિથી વધી રહેલી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે, કારણ કે આર્થિક સુધારાઓના લાભ હવે જોવા મળે છે. આઇએમએફના ભારત માટેના મિશન ચીફ રાનિલ સાલગોદાએ ૨.૬ ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્રને એક એવો હાથી ગણાવ્યો છે, જેણે હવે દોડવાનું શરૂ કરી દીધું છે.
આઇએમએફના રિપોર્ટ મુજબ ભારત માર્ચ ૨૦૧૯ સુધીમાં ૭.૩ ટકા અને ત્યાર બાદ ૭.૫ ટકાની ઝડપે વિકાસ કરશે. ગ્લોબલ ગ્રોથમાં ભારતની ભાગીદારી ૧૫ ટકા છે. તેમણે કહ્યું કે પરચેઝિંગ પાવર પેરિટી (પીપીપી)ની બાબતમાં વૈશ્વિક ગ્રોથનો ૧૫ ટકા હિસ્સો ભારતનો હશે. ચીન અને અમેરિકા પછી આ આંકડો ત્રીજા ક્રમે છે.
સાલગોદાએ કહ્યું હતું કે, ‘આઇએમએફ ભારતને વૈશ્વિક વૃદ્ધિના લાંબા ગાળાના સ્રોત તરીકે જુએ છે. ભારતની વસતિમાં મોટા ભાગના લોકો કામ કરી શકવાના વયજૂથમાં છે. તેમાં ઘટાડાની શરૂઆત થતાં ત્રણ દાયકાનો સમય લાગશે. આ ઘણો લાંબો સમય છે. એશિયામાં ભારત માટે આ ઘણી સારી તક હશે કેમ કે બહુ ઓછા એશિયન દેશો આવી વિશેષતા ધરાવે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આગામી ત્રણ દાયકા અને કદાચ એથી પણ વધુ સમય માટે ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે વૃદ્ધિનો સ્રોત રહેશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વૈશ્વિક વૃદ્ધિમાં ચીને જે ભૂમિકા ભજવી છે તે ભારત આગામી ત્રણ દાયકા માટે ભજવશે.’

જીએસટીના માત્ર બે સ્લેબ

આઇએમએફે મોદી સરકારે લાગુ કરેલા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને મોટો આર્થિક સુધારો ગણાવ્યો છે. જોકે તેમાં ટેક્સના અનેક સ્લેબ હોવાના મુદ્દે ટીકા પણ કરી છે. 

આ વૈશ્વિક નાણાં સંસ્થાનનું કહેવું છે કે ટેક્સનું માળખું સરળ હોવું જોઈએ. રેટનું સ્ટ્રકચર વધુ હોવાથી વહીવટી ખર્ચ વધી જાય છે. એક સ્ટાન્ડર્ડ રેટ હોવો જોઈએ, જે નીચો રહે. બીજો વધુ રેટ હોય, જે કેટલીક વસ્તુઓ પૂરતો મર્યાદિત હોવો જોઈએ. વધુ
રેટ એ રીતે લગાવવો જોઇએ, જેથી સરકારની આવક પર ફરક ના પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter