ભારતીય અર્થતંત્રમાં ટકાઉ રિકવરીનો સંકેતઃ વેરાની આવકમાં તીવ્ર ઉછાળો

Friday 25th March 2022 05:46 EDT
 
 

નવી દિલ્હી: વર્તમાન નાણાવર્ષમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં 41 ટકા વધારો થવાની સાથે જ ભારતની વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સની આવકમાં 48 ટકાનો માતબર વધારો નોંધાયો છે. આ આંકડા કોરોનાની બે લહેર જોનારા નાણા વર્ષમાં અર્થતંત્રની ટકાઉ રિકવરીનો ચિતાર આપે છે. પહેલી એપ્રિલ 2021ના રોજથી શરૂ થયેલા નાણાં વર્ષમાં 16 માર્ચ 2022ના રોજ સુધી ડાયરેક્ટ ટેક્સનું કુલ કલેક્શન 13.63 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે ગત નાણાં વર્ષમાં સમાન સમયગાળામાં આ રકમ 9.18 કરોડ રૂપિયા હતી.
વ્યક્તિગત આવક, કંપનીઓના નફા પર લાગતા કોર્પોરેશન ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, ઇનહેરિટન્સ ટેક્સ અને ગિફ્ટ ટેક્સ સહિતના બનેલા ડાયરેક્ટ ટેક્સીસનું કુલ સંગ્રહણ વર્તમાન નાણાં વર્ષમાં 2019-20ના વર્ષની તુલનાના 9.56 લાખ કરોડ રૂપિયા કરતાં 35 ટકા વધારે છે. સરકારી નિવેદનમાં જણાવાયા પ્રમાણે એડવાન્સ ટેક્સ કલેક્શન, જેનો ચોથો હપતો 15 માર્ચ સુધીમાં ભરી દેવાનો હતો તે 40.75 ટકાના વધારા સાથે 6.62 લાખ કરોડ રૂપિયા થયો છે. વર્તમાન નાણાં વર્ષમાં કુલ 1.87 લાખ કરોડ રૂપિયા જેટલું રિફંડ પણ ચૂકવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter