મુંબઇઃ ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ શબ્દો હવે શબ્દશઃ યથાર્થ ઠર્યા છે. ભારત હવે ‘ગ્રેટર ચીન’ને પણ પાછળ રાખીને ગોલ્ડ જ્વેલરીનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે. નાણાકીય વર્ષ 2024-25માં વૈશ્વિક જવેલરીની માંગમાં માત્ર ભારતનો હિસ્સો જ સરેરાશ 30 ટકા રહ્યો હતો, જે ભારતીય બજારની મજબૂતાઈ અને સોના પ્રત્યેના તેના અતૂટ સાંસ્કૃતિક આકર્ષણને દર્શાવે છે.
દેશના ટોચના વેપાર-ઉદ્યોગ સંગઠન એસોચેમ (એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇંડિયા) અને રેટિંગ એજન્સી ઇકરા દ્વારા 16મા ગોલ્ડ ઇકોનોમિક ફોરમમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, ભારત અને ગ્રેટર ચીન (ચીન, હોંગકોંગ, મકાઉ અને તાઇવાન) મળીને સોનાના ઘરેણાના વૈશ્વિક વપરાશમાં 55 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે.
વર્ષ 2024-25 દરમિયાન બંને દેશોમાં સોનાની જ્વેલરીની માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ચીનમાં આ ઘટાડો વધુ હતો. લગ્નપ્રસંગો અને તહેવારો દરમિયાન સોનાની નોંધપાત્ર માંગને કારણે ભારત ચીન કરતાં સારી સ્થિતિમાં હતું. જોકે, સોનાના ભાવમાં અભૂતપૂર્વ વધારાને કારણે આ સમયગાળા દરમિયાન વૈશ્વિક જવેલરીની માંગમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
રોકાણ માગમાં ઝડપી વૃદ્ધિ
બજારમાં માળખાકીય પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર ગોલ્ડ જ્વેલરીની માંગ ‘વપરાશ’થી ‘રોકાણ’ તરફ વળી રહી છે. જિયો પોલિટિકલ અનિશ્ચિતતાને કારણે સોનાને સલામત રોકાણ માનવામાં આવી રહ્યું છે. વીતેલા નાણાવર્ષમાં લગડી, સિક્કા અને ઇટીએફમાં રોકાણ 74 ટકા વધ્યું છે જ્યારે ચાલુ નાણાવર્ષના પ્રથમ છ મહિનામાં 60 ટકા વધ્યું છે.
આવક ઓછી, પણ હિસ્સો વધુ
ભારતીય ઘરોમાં હવે 445 લાખ કરોડ રૂપિયાનું સોનું છે જેમાં 68 ટકા હિસ્સો 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકો પાસે છે. આ 2017 થી 2024 સુધીના સાત વર્ષોમાં 91 ટકાનો વધારો દર્શાવે છે. આ ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય જીડીપીના 125 ટકા છે. જ્યારે ડિપોઝિટ્સ-ઇક્વિટીના મૂલ્ય કરતાં તે 75 ટકા વધુ છે.
ગોલ્ડ લોનનું માર્કેટ રૂ. 4 લાખ કરોડ
બેન્કો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ દ્વારા સોનાની લોનનું રોકાણ આશરે રૂ. 1 લાખ કરોડથી ચાર ગણું વધીને રૂ. 4 લાખ કરોડ થયું છે. ફરજિયાત હોલમાર્કિંગ અને નિયમનકારી પગલાંઓએ સ્થાનિક રીતે ઉત્પાદિત સોનામાં વિશ્વાસ મજબૂત બનાવવામાં મદદ કરી છે.


