મેલબોર્નઃ ઇંડિયન નેવીના આશરે ૨૩૫ બિલિયન રૂપિયાના સ્કોર્પિયન સબમરીન પ્રોજેક્ટ પર સુરક્ષા ખતરો સર્જાયો છે. ફ્રેન્ચ કંપનીના સહયોગથી ઇંડિયન નેવી માટે મુંબઇમાં બનાવવામાં આવી રહેલી અત્યાધુનિક સબમરીનની ટેકનિકલ વિશિષ્ટતાઓ અને રડારથી બચવાની ક્ષમતાઓ સાથેની સંબંધિત સંવેદનશીલ અને અત્યંત ગુપ્ત દસ્તાવેજોના ૨૨,૦૦૦થી વધુ પાના લીક થઇ ગયા છે. આ તમામ માહિતી એક ઓસ્ટ્રિલયન અખબારે તેની વેબસાઇટ પર મૂકી દેતા ભારતની સૈન્ય તૈયારીઓને ફટકો પડવાનો ખતરો સર્જાયો છે. સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે નૌકા દળના વડા પાસે બાબતે રિપોર્ટ માગ્યો છે. તેમણે કહ્યું હતું કે સમગ્ર બાબતનો અભ્યાસ કર્યા બાદ જ તે આશંકાનો તાગ મેળવી શકાશે કે આ માહિતી જાહેર થઇ જવાથી કેટલું થઇ શકે છે.
આ માહિતીનો ભારતના દુશ્મન દેશો પાકિસ્તાન અને ચીન દુરુપયોગ કરી શકે તેમ છે. આ માહિતી મેળવીને કોઇ પણ દુશ્મન દેશ સરળતાથી સ્કોર્પિયનના સુરક્ષા ચક્રને તોડી શકે છે.
આ ડેટા આખરે ક્યાંથી લીક થયા તે હાલમાં સૌથી મોટો પ્રશ્ન છે. નૌકાદળનો દાવો છે કે આ માહિતી ભારતને બદલે વિદેશી સોર્સથી લીક થઈ છે. ડીસીએનએસે દાવો કર્યો છે કે ફ્રાન્સને બદલે ભારત તરફથી માહિતી લીક થઈ છે.
લીક દસ્તાવેજ ૨૨,૪૦૦ પાનાના છે. જેમાં રડારથી બચવાની ગુપ્ત ક્ષમતા, ગુપ્ત માહિતી એકત્રિત કરવાની ફ્રિકવન્સી, વિભિન્ન સ્પીડ પર ઘોંઘાટ, ડાઇવની વિભિન્ન ઊંડાઈ, રેન્જ અને મજબૂતી વગેરેનો આ પાનામાં ઉલ્લેખ છે.


