નવી દિલ્હીઃ ભારતને પહેલી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન મળી ગઇ છે. આઇએનએસ અરિહંતે સમુદ્રમાં પહેલી પરીક્ષણ પેટ્રેલિંગ પૂરી કરી અને પાંચમીએ તે પરત સ્વદેશ પરત આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ભારતની પહેલી બેલેસ્ટિક મિસાઇલ સબમરીનની સાથે જ હવે ભારતીય સૈન્ય જમીન, સમુદ્ર અને હવામાં પરમાણુ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર થઇ ગયો છે. મોદીએ અરિહંતની ટીમને સંબોધતા કહ્યું હતું કે તમારુ આ અભિયાન સુરક્ષા અને સંરક્ષા માટે તપસ્યા છે. અરિહંતનો અર્થ છે દુશ્મનોને નષ્ટ કરવા. આ દેશની સુરક્ષા માટે એક મોટી સફળતા પણ છે. મોદીએ જણાવ્યું હતું કે ભારત એક શાંતિપ્રિય દેશ છે અને તે આપણી નબળાઇ નથી પણ શક્તિ છે. ભારત કોઇને છંછેડતુ નથી અને જો કોઇ છંછેડે તો તેને છોડતંુ પણ નથી. આઇએનએસ અરિહંત હવે સૈન્યમાં સામેલ થઇ જતા ભારત હવે ત્રણેય બાજુ જળ, વાયુ અને જમીન પર થનારા કોઇ પણ દુશ્મન દેશના પરમાણુ હુમલાનો આકરો જવાબ આપવા માટે સક્ષમ બન્યો છે.
જમીન પર અગ્નિ મિસાઇલ, હવામાં લડાકુ વિમાન અને હવે સમુદ્રમાં અરિહંતનો સમાવેશ થઇ ગયો છે. અરિહંત પેટ્રોલિંગ કરીને પરત ફર્યાની સાથે જ ભારત એલિટ દેશોમાં સામેલ થઇ ગયો છે તેમ મોદીએ જણાવ્યું હતું. બાદમા મોદીએ અરિહંતની સફળતા બદલ દરેક ક્રુ મેમ્બરને શુભકામના પાઠવી હતી.


