નવી દિલ્હી: ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ભારતીય મૂડીબજારમાં ખરીદદારીના મૂડમાં છે. ડિપોઝિટરીના આંકડા અનુસાર એફપીઆઇએ એકથી નવ સપ્ટેમ્બર દરમિયાન ભારતીય શેરબજારમાં રૂ. ૪૩૮૫ કરોડ અને ડેટ્ સેગમેન્ટમાં રૂ. ૩૨૨૦ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આમ આ ગાળામાં કુલ રૂ. ૭૬૦૫ કરોડનું રોકાણ થયું છે. નોંધનીય છે કે એફપીઆઈએ ઓગસ્ટમાં રૂ. ૧૬,૪૫૯ કરોડનું રોકાણ કર્યું હતું. ઓગસ્ટમાં બોન્ડ માર્કેટમાં રેકોર્ડ રૂ. ૧૪,૩૭૬.૨ કરોડનું રોકાણ નોંધાયું હતું. નિષ્ણાતોના મતે ભારતીય ચલણમાં સ્થિરતા અને અમેરિકા તથા ભારત વચ્ચે વધતાં જતાં બોન્ડ સ્પ્રેડ વચ્ચે ભારતીય ઋણને વધારે સારા જોખમ પર રાખ્યું હોવાથી રોકાણકારો ભારત તરફ આકર્ષાઇ રહ્યા છે. પાછલા સપ્તાહે એક કાર્યક્રમમાં યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે હાલના તબક્કે સેન્ટ્રલ બેન્ક રેટમાં વધારો કરવાની ઉતાવળમાં નથી અને અમે થોભો અને રાહ જુઓની નીતિ ઉપર કામ કરી રહ્યા છીએ. તેમના આ નિવેદન પછી રોકાણકારો તરફથી એકદમ પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો છે અને તેણે રોકાણકારોમાં રિસ્ક એસેટમાં રોકાણની ભાવનાને પણ વેગ આપ્યો છે.