નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું એન્ટોનોવ એએન-૩૨ વિમાન અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદ પાસે સોમવારે બપોરે એક વાગ્યાથી લાપતા થયું હતું અને મંગળવાર સુધી તેના તૂટી પડ્યાના કોઈ નિશાન મળ્યા નહોતા. તેનો કાટમાળ પણ ક્યાંય હોવાના સંકેત નહોતા. વાયુસેનાએ વિમાનના સર્ચ ઓપરેશનમાં આર્મીના ગ્રાઉન્ડ ફોર્સની પણ મદદ લીધી હતી. ગુમ થયેલા આ વિમાનના સર્ચ ઓપરેશનમાં નેવીનું સ્પાઈ એરક્રાફ્ટ અને ઈસરોના સેટેલાઈટ પણ જોડાયા હતા.
ગુમ થયેલા એન્ટોનોવ એએન-૩૨માં આઠ ક્રૂ મેમ્બર્સ અને પાંચ યાત્રીઓ સાથે કુલ ૧૩ લોકો પ્રવાસ કરી રહ્યા હતા. આ વિમાનને શોધી કાઢવા વાયુસેના દ્વારા સુખોઈ-૩૦ એરક્રાફ્ટ અને સી-૧૩૦ સ્પેશિયલ ઓપરેશન એરક્રાફ્ટની મદદ લેવાઈ છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વાયુસેનાના ઉપ પ્રમુખ રાકેશ સિંહ ભદોરિયા સાથે વાતચીત કરી હતી અને તમામ યાત્રીઓની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ વિમાને બપોરે ૧૨.૩૫ વાગ્યે આસામના જોરહટથી અરુણાચલ પ્રદેશના મેનચુકા માટે ઉડાન ભરી હતી. ઉડ્ડયનની થોડી મિનિટો બાદ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. મેનચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ ચીનની સરહદથી દૂર નથી. ઉલ્લેખનીય છે કે, એન્ટોનોવ એએન-૩૨ બે એન્જિન ધરાવતું ટર્બોપોપ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. વાયુસેના માટે આ મહત્ત્વનું એરક્રાફ્ટ છે. આ વિમાન પંચાવન ડિગ્રી સેલ્સિયસ જેવા ઊંચા તાપમાને અને ૧૪,૮૦૦ ફૂટની ઊંચાઈએથી પણ ઉડાન ભરી શકે છે.