અમદાવાદ: લગભગ પોણા બે વર્ષ બાદ કોવિડે ફરી વાર શેરબજારોના પાયા હચમચાવી નાંખ્યા છે. ઓમિક્રોનને લઈને યુરોપના દેશોમાં વધતા કેસના લીધે નવેસરથી ટ્રાવેલ નિયંત્રણો લદાતા સોમવારે મુંબઇ શેરબજાર (બીએસઇ)માં મંદીનું મોજું ફરી વળ્યું અને સેન્સેક્સમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ ૧૧૯૦ પોઈન્ટ્સના ઘટાડે ૫૫,૮૨૨ પર જ્યારે એનએસઈનો નિફ્ટી ૩૭૧ પોઈન્ટ્સના ઘટાડે ૧૬,૬૧૪ની સપાટી પર બંધ રહ્યાં હતાં. બીજા દિવસે મંગળવારે જોકે માર્કેટમાં ૫૦૦ પોઇન્ટથી વધુનો સુધારો જોવા મળતો હતો, પરંતુ બજાર વિશ્લેષકોના મતે બજારમાં શરૂ થયેલો નરમાઇનો માહોલ આગળ વધી શકે છે. નિષ્ણાતોના મતે બીએસઇ સેન્સેક્સમાં હજુ એકથી બે હજાર પોઇન્ટનો ઘટાડો થવાની શક્યતા છે.
બજારમાં કડાકાના પગલે રોકાણકારોની વેલ્થમાં વધુ રૂ. ૬.૮ લાખ કરોડના ધોવાણ સાથે માત્ર બે ટ્રેડિંગ સત્રોમાં કુલ રૂ. ૧૧.૪૫ લાખ કરોડનું બાષ્પીભવન થઈ ગયું છે. સોમવારે નવા સપ્તાહની શરૂઆત એક ટકાથી વધુના ગેપ-ડાઉન ઓપનિંગ સાથે થઈ હતી. એશિયન બજારોમાં એક ટકા આસપાસના ઘટાડાને કારણે સ્થાનિક બજાર નરમ ખૂલશે તે નક્કી હતું. જોકે નરમ ઓપનિંગ બાદ માર્કેટ એક દિશામાં ગતિ કરતું રહી નવા તળિયા શોધતું રહ્યું હતું. એક તબક્કે તો સેન્સેક્સ ૨૦૭૯ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૫૫,૧૩૩ના તળિયે પર ટ્રેડ થયો હતો. નિફ્ટી પણ દિવસ દરમિયાન ૧૬,૪૧૦.૨૦નું તળિયું બનાવી ત્યાંથી ૨૦૦ પોઈન્ટ્સની રિકવરી સાથે બંધ રહ્યો હતો. આમ સોમવારનો દિવસ કેલેન્ડર ૨૦૨૧નો સૌથી ગોઝારો દિવસ પુરવાર થયો હતો.
શેરબજાર તૂટવાનાં કારણો
સોમવારે શેરબજારમાં જોવા મળેલા કડાકા માટે એકથી વધુ કારણો જવાબદાર ગણાવી રહ્યા છે. તેમના મતે, • વિશ્વમાં ઓમિક્રોનના વધી રહેલા કેસો • કોમોડિટીના વાયદા પર પ્રતિબંધ • એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) દ્વારા સતત વેચાણ • યુએસ ફેડ રેટ વધારે તેવી ભીતિ અને • અમેરિકા સહિતના વિદેશી શેરબજારમાં જોવા મળેલી નરમાઇ મુખ્ય કારણ છે.
જોકે ખરીદદારો માટે સોનેરી તક
બજાર વિશ્લેષકો માને છે કે ભારતીય શેરબજાર તેની ટોચથી ૧૧ ટકા જેટલું ગગડી ચૂક્યું છે. જ્યારે મિડ અને સ્મોલ-કેપ્સમાં ૩૦-૪૦ ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. ઘણી બધી નેગેટિવ બાબતો ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. આગામી સત્રોમાં માર્કેટ કોન્સોલિડેશન દર્શાવી શકે છે. સ્માર્ટ ઈન્વેસ્ટર્સ માટે ખરીદીની સારી તક ઊભી થઈ છે.
એફપીઆઇની પીછેહઠ
ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)એ ચાલુ મહિને ભારતીય મૂડીબજારમાંથી અત્યાર સુધીમાં ૧૭,૬૯૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના આક્રમણ અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ઝડપથી ટેપિંગની આશાને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે તેમણે આ વેચાણ કર્યું છે.
ડિપોઝિટરીના આંકડા અનુસાર, એફપીઆઇએ ૧થી ૧૭ ડિસેમ્બર વચ્ચે ઇક્વિટીમાંથી ૧૩,૪૭૦ કરોડ રૂપિયા, ડેબ્ટ સેગમેન્ટન્માંથી ૪,૦૬૬ કરોડ રૂપિયા તેમજ હાઇબ્રિડ ઇન્સ્ટ્રૂમેન્ટમાંથી ૧૬૦ કરોડ રૂપિયા કાઢયા છે. નવેમ્બર મહિનામાં, એફપીઆઈ ભારતીય શેરબજારોમાં ૨,૫૨૧ કરોડ રૂપિયાના ચોખ્ખા વેચાણકર્તા હતા. કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ચિંતા યથાવત છે અને તેના કારણે વૈશ્વિક દૃષ્ટિકોણ પણ પ્રભાવિત થયો છે. જો પરિસ્થિતિ વધુ બગડશે તો, તે તેમને ભારત જેવા ઊભરતા બજારોમાંથી રોકાણને પરત લેવા માટે પ્રેરિત કરી શકે છે.