ભારતીય શેરબજારમાં હૈયાહોળીઃ રોકાણકારોના રૂ. ૭ લાખ કરોડ સ્વાહા

Wednesday 11th March 2020 05:11 EDT
 
 

અમદાવાદઃ ક્રૂડ ઓઇલમાં ગાબડું, યસ બેંકમાં ધબડકો અને કોરોના વાઇરસના પ્રકોપના ત્રિપાંખિયા હુમલાના પગલે સોમવારે દલાલ સ્ટ્રીટમાં પ્રચંડ કડાકો બોલી ગયો હતો. માત્ર ભારતના જ નહીં, વિશ્વભરના શેરબજારો માટે આ દિવસ બ્લેક મન્ડે પુરવાર થયો હતો. આ દિવસે માત્ર ભારતીય રોકાણકારોના જ ૭ લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા છે.
ચોમેરથી આવેલ વેચવાલીના પ્રચંડ દબાણે બપોરના ૧-૪૫ કલાકે સેન્સેક્સના ઇતિહાસનો સૌથી મોટો પ્રચંડ ૨૪૬૭ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો અને સેન્સેક્સ ૩૫૧૦૯ની તળિયાની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે ૬૪૭ પોઇન્ટ તૂટીને ૧૦૩૪૨ થઇ ગયો હતો. જોકે, દિવસના અંતે શોર્ટ કવરિંગના પગલે બજાર બાઉન્સ બેક થતાં સેન્સેકસ ૧૯૪૧ પોઇન્ટ (૫.૧૭ ટકા) ઘટીને અટક્યો હતો.
ચીનમાં પ્રસરેલ કોરોના વાઇરસ વિશ્વભરમાં પ્રસરતા વૈશ્વિક મંદી પ્રબળ બનવાની ભીતિ પાછળ વિશ્વભરના શેરબજારોમાં પ્રચંડ ગાબડા નોંધાયા છે. તો બીજી તરફ ગત સપ્તાહે યસ બેંકમાં બોલેલા ધબડકાને પગલે બજારનું મોરલ ખરડાયેલું જ છે. આ સમયે ઓપેક દેશોની બેઠક નિષ્ફળ જતાં સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડ ઓઇલના ભાવમાં કાપ મૂકવાનો તેમજ ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવાતા વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલમાં ૩૦ ટકાનું પ્રચંડ ગાબડું નોંધાયું હતું.
આ તમામ પ્રતિકૂળ અહેવાલો પાછળ સોમવારે મુંબઈ શેરબજારમાં કામકાજનો પ્રારંભ કડાકા સાથે જ થયા બાદ ચોમેરથી આવેલ વેચવાલીના પ્રચંડ દબાણ પાછળ સેન્સેક્સમાં એકધારી પીછેહઠ શરૂ થઇ હતી. જોકે, કામકાજના અંતિમ તબક્કામાં નીચા મથાળે શોર્ટ કવરિંગના પગલે બજાર બાઉન્સ થયું હતું. આમ છતાં ય સેન્સેક્સ ૧૯૪૧.૬૭ ઘટીને ૩૫૬૩૪.૯૭ની તળિયાની સપાટીએ ઉતરી આવ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૫૩૮ પોઇન્ટ તૂટીને ૧૦૪૫૧.૪૫ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

કડાકાના પાંચ મુખ્ય કારણો

ક્રૂડમાં કડાકોઃ ઓપેક દેશો વચ્ચેની મંત્રણા પડી ભાંગ્યા બાદ સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડના ભાવમાં કાપ અને ઉત્પાદન વધારવાનો નિર્ણય લેતા ક્રૂડ ઓઈલમાં ૩૦ ટકાનું પ્રચંડ ગાબડું નોંધાયાના અહેવાલોથી વિશ્વભરના બજારો પર અસર થવા પામી છે.
કોરોના વાઇરસઃ ચીનમાં ઘાતક પૂરવાર થયેલા કોરોના વાઇરસ અમેરિકા સહિત વિશ્વના ૫૦થી વધુ દેશોમાં પ્રસરવા સાથે આ વાઇરસના કારણે મૃત્યુઆંકમાં તેમજ તેના અસરગ્રસ્તોમાં વધારો થયાના અહેવાલોની વિશ્વભરના બજારો પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.
નાણાંકીય સિસ્ટમઃ સબ સલામતના દાવા વચ્ચે યસ બેંકમાં નાણાકીય ગેરરીતીઓના કારણે ધબડકો બોલી જતાં દેશની નાણાકીય સિસ્ટમ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થવા પામ્યો છે. જેના કારણે સ્થાનિક તેમજ વૈશ્વિક રોકાણકારોનું મોરલ ખરડાઈ જવા પામ્યું છે અને તેઓએ મોટા પાયે વેચવાલી હાથ ધરી છે.
• વિદેશી રોકાણકારોઃ સ્થાનિક અને વૈશ્વિક પ્રતિકૂળતાઓની વચ્ચે યસ બેંકના ધબડકાના કારણે વિદેશી રોકાણકારો નિરાશ થયા છે. વિવિધ પ્રતિકૂળતાઓને લઈને છેલ્લા ૧૫ દિવસમાં વિદેશી રોકાણકારોએ રૂ. ૨૧,૯૩૭ કરોડની વેચવાલી કરી છે.
વૈશ્વિક બજારોના કડાકાઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરવાની સાથોસાથ અન્ય પ્રતિકૂળ અહેવાલોના પગલે વૈશ્વિક બજારોમાં પણ છેલ્લા ૨૦-૨૫ દિવસથી એકધારી પીછેહઠ થઈ રહી છે. આ અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી છે.

વૈશ્વિક શેરબજારમાં છેલ્લા મહિનાના ગાબડા
ભારત - ૧૪.૬ ટકા
અમેરિકા - ૧૧.૧ ટકા
લંડન - ૨૦.૯ ટકા
જર્મન - ૨૦.૭ ટકા
ફ્રાન્સ - ૨૦.૩ ટકા
જાપાન - ૧૭.૩ ટકા
હોંગકોંગ - ૮.૬ ટકા
ચીન + ૨.૪ ટકા

સાઉદીએ શરૂ કરી ઓઇલ પ્રાઇઝ વોર

ઓઇલનું ઉત્પાદન ઘટાડવાના મુદ્દે ઓપેકના દેશો વચ્ચે સંમતિ ન સધાતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ સોમવારે એક સમયે ૩૦ ટકા તૂટીને ૩૧ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો હતો. ઓપેક દેશો વચ્ચે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા સંમતિ ન સધાતા સઉદી અરેબિયાએ પ્રાઇઝ વોરની શરૂઆત કરીછે. ઓપેકના દેશોની બેઠકમાં ઉત્પાદન ઘટાડવા મુદ્દે રશિયા સંમત ન થતાં આ ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા મુદ્દે સંમતિ સાધી શકાઇ ન હતી.
સઉદી અરેબિયાએ ક્રૂડના ભાવમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે ક્રૂડના ભાવમાં ૧૯૯૧ના ખાડી યુદ્ધ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે જો સઉદી અરેબિયા અને રશિયા વચ્ચે સમજૂતી નહીં થાય તો ક્રૂડનો ભાવ ૨૦ ડોલર સુધી જઇ શકે છે. અને રશિયા ટૂંક સમયમાં સઉદી અરેબિયા સાથે સમજૂતી કરે તેવું લાગી રહ્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter