ભારતીય સિનેમાના હી-મેન ધર્મેન્દ્રનું અવસાન

Wednesday 26th November 2025 10:07 EST
 
 

મુંબઈઃ બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ શ્વાસને લગતી બીમારીથી પીડાતા હતા. તેમને થોડા દિવસ પહેલા સારવાર માટે બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી વધુ સારવાર માટે તેમને પોતાનાં ઘરે લઈ જવાયા હતા અને ત્યાં જ સઘન સારવાર અપાતી હતી. ધર્મેન્દ્રની વસમી વિદાયથી દેઓલ પરિવાર તેમજ આખું બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે. છેલ્લા શ્વાસ સુધી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા ધરાવતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’ છે જે આવતા મહિને રિલીઝ થવાની છે. દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આખું બોલિવૂડ ઊમટી પડયું હતું. તેમના અંતિમ સંસ્કાર વિલેપાર્લે સ્મશાનભૂમિમાં કરાયા હતા, જ્યાં મોટા પુત્ર સની દેઓલે તેમને મુખાગ્નિ આપી હતી. ધર્મેન્દ્રના નિધનના સમાચાર મળતાં તેમના હજારો ચાહકોએ તેમને અશ્રુભીની આંખે અંજલિ આપી હતી.
ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા તેમના ફિલ્મી સફરનાં સાથીદારો અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરુખ ખાન, સલીમ ખાન, સંજય દત્ત, આમિર ખાન સહિત અનેક અભિનેતા તેમજ અભિનેત્રીઓ તેમના અગ્નિ સંસ્કાર વખતે સ્મશાનમાં હાજર રહ્યા હતા અને પોતાના સાથીને અશ્રુભીની આંખે વસમી વિદાય આપી હતી. કરણ જોહર, કાજોલ, અજય દેવગણ અને કરીના કપુરે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

300થી વધુ ફિલ્મો, છ દસકા સુધી છવાયેલા રહ્યા
8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના નાસરાલી ગામમાં જન્મેલા ધર્મેન્દ્ર કેવલકૃષ્ણ દેઓલે 1960માં દિલ ભી તેરા, હમ ભી તેરે ફિલ્મથી બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું. પોતાની કેરિયરમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઈક્કીસ આગામી 25ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. તેઓ 60 વર્ષ સુધી બોલિવૂડમાં છવાયેલા હતા. લગભગ બધા જ દિગ્દર્શક સાથે તેમણે કામ કર્યું હતું. બંદિની તેમની પહેલી ફિલ્મ હતી. શોલે, ચુપકે ચુપકે, સત્યકામ, અનુપમા, સીતા ઔર ગીતા, જેવી અનેક ફિલ્મોમાં તેમણે જુદી-જુદી ભૂમિકા નિભાવી હતી. તેમનાં પહેલા પત્ની પ્રકાશ કૌર હતા જેની સાથેનાં સંસારમાં તેમને બે પુત્ર સની દેઓલ અને બોબી દેઓલ તેમજ બે પુત્રી વિજેતા અને અજિતા છે. હેમા માલિની સાથેના બીજા લગ્ન થકી બે પુત્રી ઈશા અને આહના છે.

હી-મેનની ટોપ-10 ફિલ્મો
• અનુપમા (1966) • ફુલ ઓર પથ્થર (1966) • સત્યકામ (1969) • સીતા ઔર ગીતા (1972) • યાદો કી બારાત (1973) • પ્રતિજ્ઞા (1975) • શોલે (1975) • ચુપકે ચુપકે (1975) • ધરમ વીર (1977) • યમલા પગલા દીવાના (2011)

ધર્મેન્દ્રનું રાજકીય કનેક્શન
અન્ય ફિલ્મ કલાકારોની જેમ ધર્મેન્દ્રે પણ રાજકારણમાં હાથ અજમાવ્યો હતો. જોકે બાદમાં તેઓ સક્રિય રાજકારણથી દૂર થઇ ગયા હતા. હાલમાં તેમના પત્ની હેમા માલિની મથુરાથી ભાજપના સાંસદ છે જ્યારે તેમના મોટા પુત્ર સની દેઓલ 2019માં ગુરદાસપુરથી ભાજપ તરફથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. ધર્મેન્દ્ર ખુદ પણ 2004માં રાજસ્થાનના બિકાનેરથી ભાજપ તરફથી ચૂંટણી લડયા હતા અને વિજયી બન્યા હતા.

‘શોલે’ના સેટ પર વારંવાર રિટેક!
બોલિવૂડના ઈતિહાસમાં શોલે ફિલ્મ માત્ર બ્લોકબસ્ટર ફિલ્મ જ નહોતી, પરંતુ ધર્મેન્દ્ર અને હેમા માલિનીને એકમેકની નજીક લાવવાનું એક મુખ્ય કારણ પણ બની હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર હેમા માલિનીને ખૂબ પસંદ કરતા હતા અને આ જ કારણે તેઓ હેમા માલિની સાથેના સીનને જાણીબૂજીને વારંવાર રિટેક કરાવતા હતા. સેટ પર જ્યારે હેમા માલિની સાથે ધર્મેન્દ્રના રોમાન્ટિક કે ઇન્ટરેક્શન સીન આવતા ત્યારે તેઓ નાટકીય રીતે ક્યારેક ડાયલોગ ભૂલી જતા, તો ક્યારેક માર્કિંગ ખોટું પકડતા હતા.

એક યુગનો અંતઃ વડાપ્રધાન મોદી
બોલિવૂડના દિગ્ગજ કલાકારને અંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘ધર્મેન્દ્રજીની વિદાયથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો છે. તેઓ એક આઇકોનિક વ્યક્તિ હતા. એક જબરદસ્ત એક્ટર હતા. જેઓ તેમના દરેક રોલમાં ચાર્મ અને ઊંડાઈ લાવતા હતા. તેમણે અલગ અલગ ભૂમિકા નિભાવીને કરોડોનાં દિલ જીત્યા હતા. તેઓ તેમની સાદગી, વિનમ્રતા અને પ્યાર માટે જાણીતા હતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ...’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધર્મેન્દ્રને શોકાંજલિ અર્પણ કરતાં લખ્યું હતું કે, શ્રી ધર્મેન્દ્રની વિદાયથી ભારતીય સિનેમાને મોટી ખોટ પડશે. તેઓ એક લોકપ્રિય કલાકાર હતા.
કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે 6 દાયકા સુધી દરેક દેશવાસીઓનાં દિલને સ્પર્શી જનાર ધર્મેન્દ્રજીના નિધનથી ભારતીય ફિલ્મ જગતને પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. આ સિવાય પણ અનેક રાજનેતાઓએ ધર્મેન્દ્રને અંજલિ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter