નવી દિલ્હીઃ ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી થોડો વખત સૈન્ય કમાન બ્રિટિશ અધિકારીઓના હાથમાં હતી. ૧૯૪૭ની ૧૫મી જાન્યુઆરીએ ફિલ્ડ માર્શલ કોડેન્દ્ર એમ કરિઅપ્પાએ બ્રિટિશ જનરલ રોય બૂચર પાસેથી લશ્કરનો હવાલો સંભાળ્યો હતો. ત્યારથી ૧૫મી જાન્યુઆરી આર્મી ડે તરીકે ઉજવાય છે. પરંપરા પ્રમાણે એ દિવસે આર્મી ચીફ લશ્કરી પરેડનું નિરીક્ષણ કરે છે અને પોતાના પરાક્રમોથી રણમેદાન ગજવનારા યોદ્ધાઓને સન્માનિત કરે છે. આર્મી ડે નિમિત્તે સૈન્યની ત્રણેય પાંખના વડા તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે સવારે દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ પછી આર્મી ચીફ જનરલ મુકુંદ મોહન નરવણેએ સૈન્ય પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનામાં ૧૨ લાખથી વધારે જવાનો કાર્યરત છે એટલે સૈન્ય વડા દરેક સૈનિકને મળી શકે એવું સામાન્ય રીતે બનતું નથી. બીજી તરફ દરેક સૈનિક માટે સૈન્ય વડા સામે પરેડમાં ભાગ લેવો એ ગૌરવનો વિષય છે. પરેડ વખતે પિનાક મિસાઈલ સિસ્ટમ, ટી-૯૦ ભીષ્મ મેઈન બેટલ ટેન્ક (એમબીટી) સહિત વિવિધ આયુધોનું પ્રદર્શન કરાયું હતું.


