નવી દિલ્હી: ભારતીય સૈન્યએ પાકિસ્તાની સૈન્યના શસ્ત્ર વિરામ ભંગનો જવાબ આપતાં સોમવારે સાત પાકિસ્તાની સૈનિકોને અને જૈશ–એ–મહમદના છ ત્રાસવાદીઓને ઠાર માર્યાં હતાં. પાકિસ્તાનની સેનાએ સોમવારે નિવેદન આપ્યું હતું કે, કોલ્ટિ સેક્ટરમાં જાનડોર્ટ ક્ષેત્રમાં ભારતીય સૈન્યના ગોળીબારમાં તેના ચાર જવાન માર્યા ગયા છે. ભારતીય સેનાને તેના મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને શનિવારે ૧૩મીએ રાતે પૂંચ ક્ષેત્રમાં શસ્ત્ર વિરામ ભંગ કરીને ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું તે ગોળીબાર સોમવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો. ઘૂસણખોરોને કવર આપવા આ ગોળીબાર થઈ રહ્યો હતો. ૧૩મીએ પાકિસ્તાનના ગોળીબારમાં રાજૌરી વિસ્તારમાં એક ભારતીય જવાન શહીદ થયા પછી ભારતીય સૈન્યે વળતો જવાબ આપતાં પાકિસ્તાનના સાત સૈનિક માર્યા ગયા હતા અને ચારને ઇજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને નવા વર્ષમાં પણ ઘૂસણખોરીને અંકુશમાં નથી લીધી.
ઓપરશન ઓલઆઉટમાં મોટી સફળતા મળી
જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારી શેષપાલ વૈદ્યના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસ, સૈન્ય અને સીઆરપીએફની સંયુક્ત ઓપરેશન ઓલઆઉટથી જૈશ–એ–મહમદના છ ત્રાસવાદી મરાયા છે. પાંચ ઘૂસણખોરોના મૃતદેહ મળી ચૂક્યા છે. એકના શબની હજી તલાશ છે.