ભારતીય હવાઇ સીમાડાની રક્ષા કરશે સ્વદેશી ‘તેજસ’ ફાઇટર

Friday 22nd January 2021 16:27 EST
 
 

નવી દિલ્હીઃ ચીન અને પાકિસ્તાનની મિલીભગત સામે સૈન્ય ક્ષમતા હાંસલ કરવાની દિશામાં વધુ એક પગલું ભરતાં સરકારે રૂ. ૪૮,૦૦૦ કરોડના ખર્ચે ૮૩ ‘તેજસ’ યુદ્ધવિમાન ખરીદવા મંજૂરી આપી દીધી છે. કેબિનેટની સુરક્ષા મામલાની કમિટીએ ૧૩ જાન્યુઆરીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી સ્વદેશી એડવાન્સ્ડ ‘તેજસ’ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવ પર મહોર મારી હતી. ભારતના ઇતિહાસમાં સ્વદેશી મિલિટરી એવિયેશન સેક્ટર સાથેનો આ સૌથી મોટો સંરક્ષણ સોદો છે.
માર્ચ ૨૦૨૦માં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ૮૩ વધુ તેજસ માર્ક-વનએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા બાબતોની કેન્દ્રીય કેબિનેટ સમિતિની બેઠકમાં આ સોદાને મંજૂર કરાયો હતો.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંજૂરીને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, રૂ. ૪૮,૦૦૦ કરોડના સૌથી મોટા સ્વદેશી સંરક્ષણ સોદાના કારણે ભારતીય વાયુસેનાનો દેશમાં જ તૈયાર કરાયેલા એલસીએ-‘તેજસ’ યુદ્ધવિમાનનો કાફલો વધુ મજબૂત બનશે. ભારતીય સંરક્ષણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આત્મનિર્ભરતા મેળવવાની દિશામાં આ સોદો ગેમ ચેન્જર પુરવાર થશે. આવનારા વર્ષોમાં ‘તેજસ’ યુદ્ધવિમાન ભારતીય વાયુસેનાના લડાયક વિમાનોના કાફલાની કરોડરજ્જુ સમાન બની રહેશે. એમકે-વનએ પ્રકારના યુદ્ધવિમાનમાં સ્વદેશી પૂર્જા ૫૦ ટકા છે જે વધારીને ૬૦ ટકા કરાશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે નાસિક અને બેંગલોર ખાતે સેકન્ડ લાઇન મેન્યુફેક્ચરિંગ એકમો શરૂ કરી દીધાં છે.
આ પહેલાં કેન્દ્ર સરકારે એચએએલ સાથે ૪૦ ‘તેજસ’ યુદ્ધવિમાન ખરીદવાનો કરાર કર્યો હતો. તેજસ વિમાનો આગામી છથી સાત વર્ષમાં ભારતીય વાયુસેનામાં જોડાય તેવી સંભાવના છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરીના પગલે કરારનો માર્ગ મોકળો થયો છે.
સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા
વર્ષ ૨૦૧૮માં ભારતે ૧૧૪ યુદ્ધવિમાનની ખરીદી માટે ૧૫ બિલિયન ડોલરના ટેન્ડર આમંત્રિત કર્યાં હતાં જેમાં અમેરિકાની બોઇંગ, લોકહિડ માર્ટિન, સ્વીડનની સાબ એબી સામેલ થયાં હતાં. એચએએલ સાથેનો સોદો દર્શાવે છે કે ભારત હવે વિદેશમાંથી થતી ખર્ચાળ સંરક્ષણ ખરીદીઓનો ત્યાગ કરવા માગે છે.
અગાઉ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનાં જરીપુરાણા યુદ્ધવિમાનોનાં સ્થાને નવાં વિમાનો સામેલ કરવાનો ઉદ્દેશ્ય છે. દેશમાં જ તૈયાર થયેલાં શસ્ત્રોનો ઉપયોગ ભારત માટે સીમાસ્તંભ સ્વરૂપ બની રહેશે. સરકાર યુદ્ધવિમાનો ઉપરાંત આર્ટિલરી ગન્સ, એર ડિફેન્સ સિસ્ટમ, રડારનું પણ ઘરઆંગણે જ ઉત્પાદન કરવા માગે છે.
‘તેજસ’ વધુ આધુનિક હશે
• તેજસની પ્રારંભિક આવૃત્તિ કરતાં નવા વિમાનમાં ૪૩ સુધારા કરાશે • નવી આવૃત્તિનું મેન્ટેનન્સ કરવાનું સરળ રહેશે • એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી એર-રડારથી સજ્જ કરાશે
• ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યૂટ, બિયોન્ડ વિઝયુઅલ રેન્જ મિસાઇલ ક્ષમતા • ભારતીય બનાવટના એર-ટુ-એર મિસાઇલ એસ્ટ્રા માર્ક-વનથી સજ્જ કરાશે • લોંગ રેન્જના મિસાઇલનું વહન કરવાની ક્ષમતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter