ભારતીયોએ ત્રણ મહિનામાં 340 ટન સોનું ખરીદ્યુંઃ અમેરિકા કરતાં ભારતીય પરિવારો પાસે વધુ સોનું!

Wednesday 02nd March 2022 06:46 EST
 
 

મુંબઇઃ કોરોના મહામારીએ સાબિત કરી દીધું છે કે ભારતીયો કોઈ પણ સ્થિતિમાં સોનું ખરીદવાનું બંધ નહીં કરે. લોકડાઉન પછી જોરદાર વેચાણ થયું છે. નવેમ્બરમાં દિવાળી અને ત્યાર પછી લગ્નની સિઝનને કારણે સોનાની માગમાં ઉછાળો આવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર 2021ના અંતિમ ત્રિમાસિકમાં સોનાના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીયોએ આ સમયગાળમાં 340 ટન સોનું ખરીદયું છે.
દુનિયામાં ચીન પછી ભારત સોનાનું સૌથી મોટું ગ્રાહક છે. મહામારી દરમિયાન અનેક લોકોએ સોનાનાં ઘરેણાં, સિક્કા અને બીજો સામાન વેચીને ગુજરાન કર્યું છે. અનેક લોકોએ સોનાના બદલે લોન લીધી છે. ગોલ્ડ લોન આપતી ત્રણ મોટી ફાઈનાન્શિયલ કંપનીની સંપત્તિ 2020 પછી એક વર્ષમાં ક્રમશ: 32 ટકા, 25 ટકા અને 61 ટકા વધી છે. સોનાની માગ ક્યારેય અટકતી નથી એ વાત નીતિ નિર્માતાઓને ચિંતામાં નાખે છે. સોનાની વધુ આયાત અર્થતંત્રને અસ્થિર કરી શકે છે. 2013માં મોટા પાયે સોનાની આયાતથી ચાલુ ખાતાની ખાદ્ય જીડીપીના 4.8 ટકા થઈ ગઈ હતી.
ભારતીય પરિવારો પાસે 22,500 ટન સોનાનો ભંડાર છે. જે અમેરિકાના ફોર્ટ નોક્સ ખાતેના સુવર્ણ ભંડારથી પાંચ ગણો વધુ છે. સરેરાશ પરિવારની સંપત્તિના 11 ટકા ભાગ સોનાના સ્વરૂપમાં છે. સોનાની પ્રત્યક્ષ ખરીદી રોકવા માટે રિઝર્વ બેન્કે સોવરીન ગોલ્ડ બોન્ડ બહાર પાડ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter