ભારતીયોને મળશે ઈ-પાસપોર્ટઃ વિદેશ પ્રવાસ સરળ બનશે

Saturday 15th January 2022 07:19 EST
 
 

નવી દિલ્હીઃ ભારતવાસીઓને નજીકના ભવિષ્યમાં જ હવે ઇ-પાસપોર્ટ ઇસ્યુ થશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોને જલદી જ ચિપ-ઇનેબલ્ડ ઇ-પાસપોર્ટ પ્રાપ્ત થશે જે તેમને સમગ્ર વિશ્વમાં ઇમિગ્રેશન પોસ્ટ્સ સરળતાથી પસાર કરવામાં મદદરૂપ બનશે. ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે ઇ-પાસપોર્ટ બાયોમેટ્રિક ડેટા સિક્યોર કરશે જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના માપદંડો અનુસાર રહેશે અને તેનું ઉત્પાદન નાસિક સ્થિત ઇન્ડિયન સિક્યોરિટી પ્રેસ ખાતે કરવામાં આવશે.
ભટ્ટાચાર્યે છઠ્ઠી જાન્યુઆરીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે ભારત જલદી જ ન્યૂ જનરેશન ઇ-પાસપોર્ટ ભારતીય નાગરિકો માટે રજૂ કરશે, જે સુરક્ષિત બાયોમેટ્રિક ડેટા ધરાવતો હશે. તેનાથી વિશ્વ સ્તરે ભારતીય નાગરિકો ઇમિગ્રેશન પોસ્ટ્સ પર સરળતાથી પસાર થઇ શકશે. આ પાસપોર્ટ ઇલેક્ટ્રિક માઇક્રોપ્રોસેસર ચિપથી સજ્જ હશે જેથી કરીને બનાવટી પાસપોર્ટ બનાવવો મુશ્કેલ રહેશે અને તેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરો ઝડપી રીતે ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
હાલની પાસપોર્ટ સિસ્ટમમાં ઇ-પાસપોર્ટને સામેલ કરી લેવામાં આવ્યા બાદ ભારતની તમામ ૩૬ પાસપોર્ટ ઓફિસ ઇ-પાસપોર્ટ ઇશ્યૂ કરશે. આ ઇ-પાસપોર્ટ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ના માપદંડો અનુસાર રહેશે. આમ તે વિવિધ દેશો વચ્ચે ઇન્ટરઓપરેટેબલ રહેશે.
ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયે ગયા વર્ષે માર્ચ મહિનામાં રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે મંત્રાલય નાગરિકોને આધુનિક સિક્યોરિટી ફિચર્સ સાથેના ચિપ-સમર્થિત ઇ-પાસપોર્ટ ઇશ્યૂ કરશે. અરજદારની વ્યક્તિગત વિગતો ડિજિટલ રીતે હસ્તાક્ષરિત રહેશે અને તેને ચિપમાં સંગ્રહિત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter