ભારતીયોને વિદેશ પ્રવાસનો ચસ્કો લાગ્યોઃ દસકામાં ત્રણ ગણો વધારો

Sunday 12th May 2019 05:58 EDT
 
 

નવી દિલ્હીઃ રજાઓ ગાળવા વિદેશ જનારા ભારતીયોની સંખ્યામાં એક દાયકામાં ત્રણ ગણો વધારો થયો છે. ભારત સરકારના પર્યટન મંત્રાલયના ૨૦૧૮ના રિપોર્ટ મુજબ ૨૦૦૬માં અંદાજે ૮૩ લાખ લોકો વિદેશ ફરવા ગયા હતા. ૨૦૧૭માં આ આંકડો વધીને ૨.૩૯ કરોડ થઈ ગયો. આ ટ્રેન્ડ વિશ્વમાં સૌથી વધુ છે.
યુનાઇટેડ નેશન્સના વિશ્વ પર્યટન સંગઠન મુજબ છેલ્લાં ૭ વર્ષમાં વિદેશ જતા ભારતીય પર્યટકોની સંખ્યા દર વર્ષે સરેરાશ ૧૦-૧૨ ટકાના દરે વધી રહી છે. ભારતીયો માટે ઉનાળાની રજાઓમાં વિદેશ જવાનો સૌથી મનપસંદ સમય છે. આખા વર્ષમાં સૌથી વધુ મે મહિનામાં લોકો વિદેશ જાય છે. ઉલ્લેખનીય છે કે ભારતની મોટા ભાગની સ્કૂલ-કોલેજોમાં એપ્રિલ-મે વેકેશનનો સમયગાળો છે.
આ રિપોર્ટ અનુસાર, મે ૨૦૧૭માં ૨૩.૧૨ લાખ લોકો વિદેશ ગયા હતા જ્યારે ૨૦૧૫માં ૧૯.૬૨ લાખ અને ૨૦૧૬માં ૨૧.૨૮ લાખ લોકો મે મહિનામાં રજાઓ ગાળવા વિદેશ ગયા હતા.
મેક માય ટ્રિપના સંસ્થાપક દીપ કાલરાએ જણાવ્યું કે ચાલુ વર્ષે પણ આ જ ટ્રેન્ડ છે. જોકે, સત્તાવાર આંકડા હજુ આવ્યા નથી. તેમના કહેવા મુજબ ગત વર્ષે મેમાં ફિફા વર્લ્ડ કપના કારણે રશિયા જતા પ્રવાસીઓમાં ઉછાળો આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter