શ્રીનગરઃ ભારતના જવાનોએ ૨૪મીએ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની આર્મી પોસ્ટને ફૂંકી મારી હતી. આ ઘટનામાં પાકિસ્તાનનાં ૨ આર્મી અધિકારી સહિત ૧૨ સૈનિકોને મારી નંખાયાનાં બિનસત્તાવાર અહેવાલો છે. જોકે પાકિસ્તાની આર્મીએ સ્થિતિને ગંભીર ગણાવીને નાશ પામેલી પોસ્ટ નજીકનો પાકિસ્તાની ધ્વજ ઊલટો લહેરાવીને મદદનાં પોકારો કર્યાં હતાં. આ ઘટનાનો વીડિયો જાહેર કરીને ભારતે સરહદ પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગના પુરાવા આપ્યા હતા.
આમ, પાકિસ્તાન દ્વારા વારંવાર સિઝફાયર ભંગનો આર્મીનાં જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. છંછેડાયેલું પાકિસ્તાન એલઓસીનાં ગામડાઓ પર સતત ફાયરિંગ અને તોપમારો કરી રહ્યું છે અને ૧૪ ફેબ્રુઆરી પછી ૧૨૫થી વધુ વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. ૨૪મી સુધીના ચાર દિવસમાં કરાયેલા ફાયરિંગમાં રવિવારે ભારતીય સિપાહી હરિ વાકરનું મોત થયું હતું.


