નવી દિલ્હીઃ ભારતે અગ્નિ પ્રાઈમ બેલેસ્ટિક મિસાઈલનું પહેલીવાર ટ્રેન પરથી સફળ પરીક્ષણ કરીને ઇતિહાસ રચ્યો છે. ડીઆરડીઓ અને સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડે સંયુક્ત રીતે ઓડિશાની ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે રેલ લોન્ચર પરથી 2,000 કિ.મી.ની રેન્જવાળી નેક્સ્ટ જનરેશન અગ્નિ પ્રાઇમ મિસાઈલ લોન્ચ કરી હતી. આ સાથે જ ભારત એવા ચુનંદા દેશોમાં સામેલ થઇ ગયું છે કે જેમની પાસે કેનિસ્ટરાઈઝ્ડ લોન્ચ સિસ્ટમ છે, જે રેલ નેટવર્ક પરથી મિસાઇલ લોન્ચ કરી શકે છે.
ભારત વિશ્વનો પાંચમો દેશ
અત્યાર સુધીમાં રશિયા, ચીન, અમેરિકા અને ઉત્તર કોરિયા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ભારત ટ્રેન પરથી મિસાઇલનું સફળ લોન્ચિંગ કરનારો વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. અગ્નિ પ્રાઈમ બેલેસ્ટિક મિસાઈલમાં મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટારગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે.
રેલ આધારિત લોન્ચરની ખાસિયત જોઇએ તો, આ રેલ આધારિત નવી મોબાઇલ લોન્ચર કોઇ વિશેષ સગવડ વિના દેશભરના રેલવે નેટવર્ક પર સ્વતંત્ર રીતે ચાલી શકે છે. તેના કારણે સૈન્ય ક્યાંય પણ ઓછા સમયમાં મિસાઈલ છોડવા સક્ષમ બને છે. આ સિસ્ટમ ક્રોસ-કન્ટ્રી મોબિલિટી પૂરી પાડે છે.