ભોજનમાં જેમ નમકનું મહત્ત્વ તેમ જીવનમાં યોગનુંઃ વડા પ્રધાન

Friday 23rd June 2017 03:42 EDT
 
 

લખનૌઃ દેશ અને દુનિયામાં બુધવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરાઈ હતી. એકતરફ અમદાવાદ ખાતે યોગાસન કરવાનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો ત્યાં લખનઉમાં વડા પ્રધાન મોદીએ લોકો સાથે યોગાસન કર્યા હતા. લખનઉમાં રમાબાઈ આંબેડકર પાર્ક ખાતે મોદીએ બાળકો અને લોકો સાથે યોગાસન કર્યા હતા. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે ભોજનમાં મીઠાનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ જીવનમાં યોગનું છે. જીવનના અનેક ચડાવ-ઉતાર વચ્ચે યોગ આપણને જીવવાની કળા શીખવે છે. જીવનને સરળ બનાવવા માટે યોગાસન જરૂરી છે.
મોદીએ વધુમાં જણાવ્યું કે દુનિયાના ઘણા દેશ યોગના કારણે ભારત સાથે જોડાયા છે. આ દરમિયાન વરસતા વરસાદે મોદીએ બાળકો સાથે ૩૫ મિનિટ યોગાસન કર્યા હતા. તેમણે ૬ આસનો કર્યા હતા અને એક શાંતિપાઠ કર્યો હતો. મોદી સાથે યોગાસન કરવા માટે બાળકો અને લોકો ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ગર્વનર રામ નાઈક તથા ભાજપના અનેક પ્રધાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

૨૦૦થી વધુ દેશો યોગ કરે છેઃ યોગી

વડા પ્રધાન સાથે યોગ કરવા દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ યોગાસનના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, હાલમાં ૨૦૦થી વધુ દેશો યોગાસન કરે છે. તેઓ યોગનું મહત્ત્વ સમજી ગયા છે અને સમજી રહ્યા છે. મને આશા છે કે દેશના લોકો પણ વડા પ્રધાન સાથે યોગ કરવા દરમિયાન તેનું મહત્ત્વ સમજશે. લોકોએ યોગને જનઆંદોલન બનાવીને સમગ્ર દુનિયામાં તેનો વિસ્તાર કરવાનો છે.

લખનઉની ધરતીને પ્રણામઃ મોદી

યોગની એક વિશેષતા છે કે તે મનને સ્થિર રાખે છે. ગમેતેવી મુશ્કેલીઓમાં પણ તે સ્વસ્થ મન સાથે જીવનની જીવવાની કળા શીખવે છે. આજે લખનઉમાં આ વિશાળ મેદાનમાં વરસતા વરસાદ વચ્ચે પણ લોકોને યોગ કરતાં જોઉં છું તો આનંદ થાય છે. લખનઉની ધરતીને હું પ્રણામ કરું છું. વરસાદ હોવા છતાં તમે મારી સાથે જોડાયા તે બતાવે છે તમને યોગનું મહત્ત્વ ખબર છે. યોગને પ્રોત્સાહન આપવાના તમામ આ પ્રયાસો બદલ હું શુભેચ્છાઓ પાઠવું છું. આપણી પેઢી તો યોગથી પરિચિત છે પણ વિશ્વમાં ઘણા દેશો છે જેની પાસે આ જ્ઞાન નથી તો આપણે તે પૂરું પાડવા આગળ આવવાનું છે.

વિશ્વમાં યોગ ટીચર્સની માગ

યોગના લાભ ગણાવવા દરમિયાન મોદીએ જણાવ્યું કે દેશમાં તો યોગની માગ છે પણ વિશ્વના અનેક દેશોમાં પણ માગ વધી છે. અનેક દેશો યોગ ટીચર્સની માગણી કરી રહ્યા છે. વિશ્વમાં એક નવું જ જોબ માર્કેટ તૈયાર થઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં યુનેસ્કો દ્વારા ભારતના યોગને માનવ સંસ્કૃતિના વારસા સ્વરૂપે માન્યતા અપાઈ હતી. આજે વિશ્વના અનેક દેશો તેનો અપનાવી રહ્યા છે.

યોગથી જ શરીરમાં ચેતના

જેમ જેમ યોગ કરતા જઈએ તેમ તેમ ચેતના આવતી જાય છે અને તે સક્રિય થતા જાય છે. યોગ દ્વારા શરીર અને મનમાં ચેતના આવે છે. હું ઘણી વખત કહું છું કે મીઠું ખૂબ જ સસ્તુ મળે છે, પણ તેનું મહત્ત્વ અમૂલ્ય છે. ગમેતેવું સારું ભોજન હોય પણ તેમાં મીઠા વગર સ્વાદ આવતો નથી. તેવી રીતે મફતમાં મળતું યોગનું જ્ઞાન જીવનને વધારે મહત્ત્વપૂર્ણ બનાવી દે છે.

આજે ઘરે ઘરે યોગ

વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે એક સમય હતો કે જ્યારે ઋષિઓની સાધનાના માર્ગ તરીકે જ યોગની ઓળખ હતી. વર્ષો પસાર થતા ગયા અને સ્થિતિ બદલાતી ગઈ. આજે યોગ ઘરે-ઘરે પહોંચ્યો છે. દુનિયાના અનેક દેશો એવા છે કે જે આપણી ભાષા અને સંસ્કૃતિ વિશે જાણતા નથી, પણ યોગના કારણે આપણી સાથે જોડાયેલા છે. હાલમાં સમગ્ર વિશ્વ યોગના તાંતણે ભારત સાથે જોડાયેલું છે.

દેશમાં આ જગ્યાએ પણ યોગ થયા

- ઈન્ડિયા તિબેટ બોર્ડર પોલીસના જવાનો દ્વારા લેહ ખાતે ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ અને માઈનસ ડિગ્રી તાપમાનમાં પણ યોગ કરવામાં આવ્યા હતા.
- નેવીના જવાનો દ્વારા ભારતના યુદ્ધજહાજ વિક્રમાદિત્ય ઉપર યોગાસન કરાયા હતા.
- એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ, સ્પોર્ટ્સ મિનિસ્ટર વિજય ગોયલ અને મીનાક્ષી લેખી દ્વારા દિલ્હી ખાતે યોગ કરાયા હતા.
- દિલ્હીમાં જ લેફ્. ગવર્નર અનિલ બૈજલ, અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રિય પ્રધાન વૈંકેયા નાયડુએ પણ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
- આચાર્ય બાલકૃષ્ણ સાથે આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને પ્રધાન હેમંત વિશ્વ શર્માએ પણ યોગ કર્યા હતા.
- ભુવનેશ્વરમાં પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
- મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રેલવે પ્રધાન સુરેશ પ્રભુ સાથે યોગ કર્યા હતા.
- દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ પણ યોગાસનો કરતાં નજરે પડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter