ભોજશાળામાં હિન્દુ મંદિરના નક્કર પુરાવા મળ્યાઃ એએસઆઈ રિપોર્ટ

Wednesday 04th March 2026 12:19 EST
 
 

ઇન્દોરઃ ભોજશાળા વિવાદમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચ દ્વારા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસાઇ)ના રિપોર્ટ પર બંને પક્ષકારોને બે અઠવાડિયામાં તેમનાં વાંધા રજૂ કરવા ફરમાન કરાયું છે. એએસઆઇ દ્વારા હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોનાં દાવાઓની તપાસ કરવા 98 દિવસ સરવે કરાયો હતો. આ પછી 10 પાર્ટમાં 2089 પાનાનાં રિપોર્ટ રજૂ કરાયો છે. જેમાં પૂરાતત્વ અને ધાર્મિક સાક્ષીઓનો ઉલ્લેખ કરાયો છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભોજશાળા પરિસરમાં ભગવાન શિવ, વિષ્ણુ, વાસુકી નાગ, ગણેશ તેમજ અનેક પ્રાચીન મૂર્તિઓ તેમજ શિલ્પો કે તેના અવશેષો મળી આવ્યા છે. જેને કેમિકલ ટ્રીટમેન્ટ પછી વૈજ્ઞાનિક પુરાવા તરીકે રજૂ કરાયા છે. સરવેમાં એવું પ્રમાણ મળ્યું છે કે કમાલ મૌલા મસ્જિદનાં નિર્માણમાં ભોજશાળાનાં પ્રાચીન અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તારણે કેસને વધારે ગંભીર અને સંવેદનશીલ બનાવ્યો છે.
એએસઆઇને ભોજશાળામાં ભગવાન શિવ તેમજ સાત ફેણવાળા વાસુકી નાગની પૌરાણિક મૂર્તિઓ તેમજ પ્રાચીન અવશેષો મળ્યા છે. સરવેમાં 1700થી વધારે કલાકૃતિઓ મળી આવી છે જેમાં કેટલીક મૂર્તિઓ, કેટલીક રચનાઓ, સ્તંભો, દીવાલો અને ભીતચિત્રો સામેલ છે. એએસઆઇને ઉત્ખનન દરમિયાન મોટી સંખ્યામાં સંસ્કૃત, દેવનાગરી અને નાગરી લિપિનાં લેખો તેમજ સ્તંભો પર કોતરવામાં આવેલા શ્લોકો, દેવીદેવતાઓની પ્રતિમાઓનાં અવશેષો, મંદિરનાં સ્થાપત્યનાં અંગ અને વાસ્તુ સામગ્રીઓ મળી આવી છે. કેટલાક શિલાલેખ 11મી અને 12મી શતાબ્દીનાં છે જેનો સંબંધ પરમાર કાળ સાથે હોવાનું માનવામાં આવે છે.

કેટલાક અભિલેખોમાં સંસ્કૃત શ્લોકો તેમજ દેવી સરસ્વતીની સ્તુતિનો પણ ઉલ્લેખ છે. જેમાં શ્રી સરસ્વત્યે નમઃ જેવા શ્લોકો લખવામાં આવ્યા છે. શિક્ષણ પરંપરાની પણ વિગતો તેમાં છે. એએસઆઇ દ્વારા આ શિલાલેખોની શૈલી અને ભાષાને આધારે તેને મધ્ય કાળનું હિન્દુ મંદિર હોવાનું માનવામાં આવ્યું છે. પરિસરનાં સ્તંભો અને બીમ તેમજ આધાર પથ્થરો અને પુષ્પની આકૃતિઓ, કલાત્મક ચિત્રો અને કીર્તિમુખ તેમજ કમલની આકૃતિઓ, દેવીદેવતાઓની મૂર્તિ મળી આવ્યા છે. કેટલાક સ્તંભો પર માનવ આકૃતિઓ, નૃત્ય મુદ્રાઓ અને પૌરાણિક પ્રતિકો મળ્યા છે. દિવાલો પરની રેખાઓ અને સ્તંભ આધાર તથા પત્થરનાં ફર્શનાં અવશેષ મળી આવ્યા છે જેની દિશા વાસ્તુ યોજના મુજબનું મંદિર હોવાનો નિર્દેશ કરે છે. ક્યાંક યજ્ઞકૂંડ મળી આવ્યા છે.
પરિસરમાં ફારસી અને અરબી ભાષાનાં અભિલેખ પણ છે. જેનો કાલખંડમાં મસ્જિદ કે દરગાહ તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળે છે. કમાલ મૌલાને લગતા અભિલેખો તેમજ શિલાલેખોમાં સુફી પરંપરાનો ઉલ્લેખ છે. એએસઆઇએ નોંધ્યું છે કે હાલના પરિસરમાં ઈસ્લામી સ્થાપત્યનાં તત્વો છે જેમાં મેહરાબ, મિહરાબ દિશા અને કેટલાક ફારસી લેખો સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter