ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ૩૩ વર્ષ પહેલાં બીજી અને ત્રીજી ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ઝેરી ગેસકાંડ સર્જાયો હતો. ત્રણ દાયકાથી પણ વધુ સમય વીત્યા પછી ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીના સંકુલમાં ૩૪૬ ટન ઝેરી કચરો પડી રહ્યો છે, જેનાથી આજેય ખતરો છે.
આ ગેસકાંડનો ભોગ બનેલા પીડિતોની ત્રીજી પેઢી આજેય અશક્ત જન્મી રહી છે. યુનિયન કાર્બાઇડ કંપનીમાં અકસ્માત થતાં મિથાઇલ આઇસો સાઇનાઇડ નામનો ગેસ વાતાવરણમાં ફેલાવા લાગ્યો હતો. આ કારણસર હજારો લોકો ગૂંગળાઇને મૃત્યુ પામ્યા હતા. આ ભયાવહ્ અકસ્માતમાં બાળકો પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા.
ભોપાલમાં અનેક મહિલાઓ એવી છે, જે ફક્ત ગેસકાંડના કારણે માતા ના બની શકી અથવા બીજી વાર માતા ના બની શકી. આવી અનેક મહિલાઓ જણાવી રહી છે કે, મા ના બની શકવું એ સ્ત્રી માટે સૌથી મોટું દુ:ખ છે.