પટનાઃ બિહારના પટનામાંથી પસાર થઇ રહેલી ગંગામાં એક બોટ પલટી જતા તેમાં સવાર ૫૦ પૈકી ૨૫ મુસાફરોના મોત નિપજ્યા છે. આ ઘટના પટના અને સહાન વચ્ચે ચાલતી એક ખાનગી બોટમાં બની હતી. અહીંના એનઆઇટી ઘાટ પાસે જ્યારે આ બોટ ક્ષમતા કરતા ત્રણ ગણા વધુ મુસાફરો લઇને જઇ રહી હતી ત્યારે અચાનક તે પલટી ગઇ હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે ટાઇટેનીક જહાજ જે રીતે ડૂબ્યુ તે રીતે આ બોટ ડૂબી ગઇ, બોટ જ્યારે પલટી ત્યારે તેમાં સવાર લોકોને બચાવી શકાય તેટલો સમય હતો પણ ૫૦માંથી ૨૫ લોકો જીવ બચાવવા તડફડીયા મારતા રહ્યા પણ તેને બચાવી ન શકાયા. જે લોકો તરી શકે તેમ હતા તેઓ બચી ગયા. આશરે ૨૫ જેટલાને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે. મરનારામાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.
૨૫ લોકોને લઇ જવાની ક્ષમતા પણ આ બોટમાં નહોતી જ્યારે તેમાં ૫૦ જેટલા લોકોને ઠાંસી ઠાંસીને બેસાડયા હતા. મુસાફરો સરકાર દ્વારા આયોજિત કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરી આનંદિત થઇને પરત ઘરે થઇ રહ્યા હતા, ત્યારે તેઓને અંદાજ પણ નહીં હોય કે તેઓના જીવનની ડોર જ કપાઇ જશે.
સરકારી કાર્યક્રમ હોવા છતાં તેઓની આવવા જવા માટેની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ ઘટના બની હોવાનો હવે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે. મરનારાના પરિવારને સફાળી જાગેલી સરકાર દ્વારા સહાયની જાહેરાત થઇ હતી.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ચાર લાખ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે લાખની સહાયની જાહેરાત કરી હતી. આ બોટ અશોક રાઇ નામના એક શખ્સની હતી. જેની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ઘટના બાદ અશોક રાઇ નાસી ગયો છે.
૨૪ મૃતદેહો બહાર કાઢ્યા
અહીંના જાણીતા તરવૈયા રાજેન્દ્ર સાહનીએ એકલા હાથે ૨૪ મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેઓએ આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે જે બોટમાં લોકોને બેસાડવામાં આવ્યા હતા તે જર્જરીત હતી. અને તેની ક્ષમતા પણ ૨૫ લોકોને બેસાડવાની નહોતી છતા તેમાં ૫૦ જેટલા લોકોને બેસાડાયા હતા. રાજેન્દ્ર સાહનીએ એકલા જ ગંગા નદીમાં ડુબકી લગાવીને આશરે ૨૪ના મૃતદેહો બહાર કાઢ્યા હતા.