મકાનના પઝેશનમાં એક વર્ષ કરતાં વધુ વિલંબ થાય તો ગ્રાહક રિફંડ માગી શકશે

Wednesday 22nd May 2019 07:55 EDT
 

નવી દિલ્હીઃ ગ્રાહકોને સુરક્ષા આપતી દેશની સર્વોચ્ચ સંસ્થા એનસીડીઆરસીએ મકાનના પઝેશનમાં થતા વર્ષોના વિલંબમાંથી ગ્રાહકોને મોટી રાહત આપી છે.
એનસીડીઆરસીએ હવે ગ્રાહકોને મકાનનું પઝેશન આપવામાં વિલંબ થતાં રિફંડ માટેનો સમયગાળો નક્કી કરી નાંખ્યો છે. એનસીડીઆરસીએ જણાવ્યું છે કે, પઝેશન આપવાની તારીખ કરતાં એક વર્ષના વિલંબ બાદ ગ્રાહક બિલ્ડર પાસેથી રિફંડ માગી શકે છે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ સહિતના ન્યાયિક મંચો અને ગ્રાહક અદાલતો દ્વારા જણાવાયું હતું કે, બિલ્ડરો ગ્રાહકોને મકાનનું પઝેશન આપવામાં અનિશ્ચિત સમય સુધી રાહ જોવડાવી શકે નહીં, પરંતુ તેમાં સ્પષ્ટતા કરવામાં આવતી નહોતી કે, વિલંબના કિસ્સામાં રિફંડ કેટલા સમય પછી માગી શકાય.
રાષ્ટ્રીય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે જણાવ્યું છે કે, જો મકાનનું પઝેશન આપવામાં એક વર્ષ સુધીનો વિલંબ થાય તો તે પછી ગ્રાહક બિલ્ડર પાસેથી રિફંડ માગી શકે છે. પ્રેમ નારાયણની બેન્ચે જણાવ્યું હતું કે, એક વર્ષ કરતાં વધુના વિલંબના કિસ્સામાં ગ્રાહકને રિફંડ માગવાનો સંપૂર્ણ અધિકાર છે. દિલ્હીના શાલભ નિગમની ફરિયાદનો નિકાલ કરતાં રાષ્ટ્રીય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે આ ચુકાદો આપ્યો છે.
વળતરના વિકલ્પો
રેરા પહેલાં: રેરાનો કાયદો અમલી બન્યા પહેલાં બિલ્ડર અને ગ્રાહક વચ્ચે થતા કરારમાં પ્રોજેક્ટમાં વિલંબ માટે પ્રતિ માસ પ્રતિ ચોરસફૂટ રૂપિયા પાંચના વળતરની જોગવાઈ કરાતી હતી.
રેરાની જોગવાઈ: રેરામાં જોગવાઈ કરાઈ હતી કે, બિલ્ડરે વિલંબ માટે ગ્રાહકને એસબીઆઈના એક વર્ષના એમસીએલઆર કરતાં બે ટકા વધુની ચૂકવણી કરવાની રહેશે. જો એસબીઆઈનો એમસીએલઆર ૮.૪૫ ટકા હોય તો બિલ્ડરે ગ્રાહકને વાર્ષિક ૧૦.૪૫ ટકા વળતર ચૂકવવું પડશે.
ગ્રાહક પંચનો ચુકાદો: એનસીડીઆરસીએ આપેલા આદેશમાં ડેવલપરને વિલંબિત પ્રોજેક્ટ માટે ગ્રાહકને વાર્ષિક ૬ ટકા પેનલ્ટી ચૂકવવા જણાવ્યું હતું. ભૂતકાળમાં આ પેનલ્ટી ૧૨ ટકા હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter