ઇમ્ફાલઃ ‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં ઘણા વિવાદોનો અંત લાવ્યા છીએ. હવે મણિપુર પણ શાંતિના માર્ગ પર પરત ફરશે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ શબ્દોએ હિંસાનો ભોગ બનેલા પરિવારો માટે મલમનું કામ કર્યું છે. શનિવારે રાજ્યની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાને રાહત છાવણીઓમાં વિસ્થાપિતોને પુનર્વસન અને રોજગારની ખાતરી આપી હતી. આ સાથે જ ચુરાચંદપુરમાં 7300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો.
રાજ્યમાં મે 2023થી ચાલી રહેલી કુકી-મેઈતેઈ વંશીય હિંસા પછી વડાપ્રધાનની આ - પહેલી મુલાકાત હતી. તેઓ ચુરાચંદપુર અને ઈમ્ફાલમાં રાહત શિબિરોમાં વિસ્થાપિત - પીડિત પરિવારોને મળ્યા હતા. કુકી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુરમાં વડાપ્રધાને કહ્યું હતું ‘હું રાહત શિબિરમાંથી આવ્યો છું. ત્યાં મને મળેલા - લોકો પરથી સ્પષ્ટ થયું કે નવી સવાર આશા અને વિશ્વાસની છે. રાજ્ય શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનશે. કેન્દ્ર સરકાર અહીં 7,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
કુકી સમાજની માગઃ અલગ પ્રદેશ આપો
કુકી સમુદાયના 10 ધારાસભ્યોએ વડાપ્રધાનને સંયુક્ત મેમોરેન્ડમ સુપરત કર્યું. તેમાં ભાજપના સાત ધારાસભ્યોના હસ્તાક્ષર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કુકી સમુદાયને ખીણમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. બંને સમુદાયો એક છત નીચે નહીં, પરંતુ ફક્ત પડોશી તરીકે શાંતિથી રહી શકે છે. ધારાસભ્યોએ પીએમને વિધાનસભા સહિત અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા તરફ પગલાં લેવાની અપીલ કરી. તેઓ કહે છે આ કાયમી શાંતિ અને સુરક્ષાનો માર્ગ છે.
હવામાન પ્રતિકૂળ થયું તો કાર માર્ગે પહોંચ્યા
વડાપ્રધાન મોદી પ્રતિકૂળ હવામાનનો સામનો કરીને રસ્તા માર્ગે રેલી સ્થળે પહોંચ્યા હતા. મોદીએ શનિવારે મિઝોરમ અને મણિપુરમાં પ્રતિકૂળ હવામાનને કારણે હેલિકોપ્ટર ઉડાન નહીં ભરી શકવાથી ચુરાચાંદપુર રેલીના સ્થળે જવા રસ્તા માર્ગનો ઉપયોગ કર્યો હતો અને વિશાળ રેલીને સંબોધી હતી. તેમણે લોકોને મળવા અને વાતચીત કરવા પ્રતિકૂળ હવામાનમાં પણ રસ્તા માર્ગે જઈને રેલીને સંબોધવાનું નક્કી કર્યું હતું.
રાહુલનો સવાલઃ આટલો વિલંબ કેમ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી સોમવાર દરમિયાન પાંચ રાજ્યોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મણિપુર, મિઝોરમ, આસામ ઉપરાંત પશ્ચિમ બંગાળ તથા બિહારનો પણ પ્રવાસ કર્યો હતો. તેમાં વડા પ્રધાનની મણિપુર મુલાકાતને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અઢી વર્ષ અગાઉ મણિપુરમાં હિંસા ફાટી નીકળી એ પછી પૂર્વોત્તર રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત છે. દેશમાં વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુર મુલાકાત માટે આટલા વિલંબ ઉપર સવાલ ઉઠાવ્યા છે.
હાલ રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તળે
મણિપુરમાં ભાજપની પૂર્ણ બુહમતીવાળી સરકાર હતી, જેના મુખ્યમંત્રી એન. બિરેનસિંહે ફેબ્રુઆરી-2025માં રાજીનામું આપી દીધું હતું. એ પછી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. ભાજપે અહીં સરકાર રચવાનો દાવો પણ નથી કર્યો. નોંધનીય છે કે માર્ચ-2023માં હાઇકોર્ટના એક ચુકાદા બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. એ પછી બે મહિલાઓનો એક વીડિયો વાઇરલ થવાને કારણે હિંસા વકરી જવા પામી હતી.