મણિપુરમાં કોંગ્રેસને વિપક્ષના હોદ્દા જેટલી પણ બેઠક નહીં

Monday 21st March 2022 05:42 EDT
 
 

ભારતીય જનતા પાર્ટીએ પૂર્વોત્તરના મણિપુરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. પાર્ટીએ એક્ઝિટ પોલના અનુમાનોને સાચા ઠેરવતા સત્તા પર કબજો જમાવી રાખ્યો છે. ભાજપે આ વખતે આપબળે સત્તા મેળવી છે અને તેને સહયોગી પાર્ટીઓના ટેકાની જરૂર નહીં પડે. મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને પાંચ માર્ચ એમ બે તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં AFSPA કાયદાને હટાવવાનો મુદ્દો બહુ મહત્ત્વપૂર્ણ હતો અને રાજ્યના ભાજપ નેતા અને મુખ્યપ્રધાન એન. બીરેનસિંહ પણ આ કાયદાને હટાવવાના પક્ષમાં છે. મુખ્ય પ્રધાન બીરેનસિંહે હીનગંગ સીટ પર જીત મેળવી હતી અને પોતાના હરીફ કોંગ્રેસના શરતચન્દ્રને હરાવ્યા હતા.
મણિપુરમાં નીતીશ કુમારની જનતા દળ યુનાઇટેડે પણ ખાતું ખોલાવ્યું છે. પાર્ટીને અહીં 6 બેઠક પર જીત મળી છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસ નેતા ઓકરામ ઇબોબી સિંહ પણ પોતાની સીટ પર જીત્યા હતા તેમણે પોતાના હરીફ અને ભાજપ ઉમેદવાર એલ. બસંતસિંહને પરાજય આપ્યો હતો. કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળે તેટલી સીટ પણ મળી નથી. ભાજપે સારો દેખાવ કર્યો હોવા છતાં પાર્ટીના મણિપુર એકમે સંકેત આપ્યો હતો કે ભાજપ તેને ટેકો આપવાની ઇચ્છા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter