પટણાઃ થોડા દિવસ પહેલાં બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને મહાગઠબંધન સાથે હાથ મિલાવ્યા હતા. આ વખતે ભાજપે મણિપુરમાં નીતીશકુમારને આંચકો આપ્યો છે. મણિપુરમાં જેડી(યુ)ના છ પૈકીના પાંચ ધારાસભ્યો ભાજપમા જોડાઈ ગયા છે. મણિપુર વિધાનસભામાં જેડી(યુ)એ છ વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. હવે વિધાનસભા સ્પીકરે પણ જેડી(યુ)ના પાંચ ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા મંજૂરી આપી દીધી છે. મણિપુરમાં હવે જેડી(યુ) પાસે માત્ર એક ધારાસભ્ય બચ્યા છે. આ પહેલાં 25 ઓગસ્ટના રોજ અરુણાચલમાં જેડી(યુ)ના ધારાસભ્ય ટેકો કાસી ભાજપમાં જોડાયા હતા. 2019માં અરુણાચલમાં જેડી(યુ)ના સાત ઉમેદવારો વિજયી થયા હતા.


