મણિપુરમાં બિરેનસિંહ, ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ, ગોવામાં સાવંત મુખ્યમંત્રી

Friday 25th March 2022 18:09 EDT
 
 

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચારમાં ભાજપે જીત મેળવી હતી. જેને પગલે હાલ આ રાજ્યોમાં ભાજપની સરકારનું ગઠન થયું છે. આ રાજ્યોમાંથી મણિપુરમાં મુખ્યમંત્રી પદે એન. બિરેનસિંહે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ અગાઉ પણ મણિપુરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
એન. બિરેનસિંહની સાથે સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ કેબિનેટ મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. તેમને રાજ્યપાલ લા ગણેસને શપથ અપાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિરેનસિંહને ટ્વીટ કરીને શુભકામના પણ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે મને પુરો વિશ્વાસ છે કે બિરેનસિંહ અને તેમની ટીમ મણિપુરને એક નવી ઉંચાઇ પર લઇ જશે.
મણિપુરની જેમ જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ અગાઉ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા. છેલ્લા કેટલાય દિવસથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. તેમની શપથવિધિમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, મિનાક્ષી લેખી અને પ્રહલાદ જોશી પણ જોડાયા હતા. ધામીની આગેવાનીમાં જ ભાજપે ઉત્તરાખંડની ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. ઉત્તરાખંડમાં ભાજપને ૭૦માંથી ૪૭ બેઠક મળી હતી.
ત્રીજા રાજ્ય ગોવામાં પણ ભાજપે જીત મેળવી હતી, ગોવામાં પ્રમોદ સાવંતને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે. આ માટે તેઓને હાલ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter