નવી દિલ્હીઃ વિવાદાસ્પદ બાબરી મસ્જિદના ઢાંચાનો સરવે કરનાર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઈ)ના પૂર્વ અધિકારી કે.કે. મોહમ્મદે કાશી અને મથુરાની બાબતમાં એક મોટો અને મહત્ત્વનો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે, કાશી અને મથુરામાં પહેલાંથી જ મંદિર હતાં. સાથે સાથે જ તેમણે મુસ્લિમોને સલાહ આપી છે કે શુભ સંકેત તરીકે મુસ્લિમોએ કાશી અને જ્ઞાનવાપીની જમીન હિંદુઓને આપી દેવી જોઈએ, જેથી ત્યાં મંદિર બની શકે. આ ઇન્ટરવ્યૂમાં મોહમ્મદને પૂછાયેલું કે શું મથુરા અને કાશી મુદ્દે મુસ્લિમ પક્ષનો દાવો કોર્ટમાં ટકી શકશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે હું બંને જગ્યા (મથુરા અને કાશી)ને ખૂબ નજીકથી ઓળખું છું. હું બંને જગ્યાએ કામ કરી ચૂકયો છું. આ બંને જગ્યાએ પહેલાં મંદિર હતાં. એમાં કશી શંકા નથી. મથુરામાં પણ મંદિર હતું અને જ્ઞાનવાપીમાં પણ પહેલાં મંદિર જ હતું. મુસ્લિમ પક્ષનો દાવો કોર્ટમાં નહીં ટકી શકે.
તેમણે કહ્યું કે મુસલમાનો માટે જેટલું મક્કા અને મદીનાનું મહત્ત્વ છે એટલું જ મહત્વ સામાન્ય હિંદુ માટે જ્ઞાનવાપી (શિવજીનું મંદિર) અને મથુરા (કૃષ્ણ જન્મભૂમિ)નું છે. અયોધ્યા (રામમંદિર) તો ઓલરેડી થઈ ગયું છે. ત્રણ જગ્યાઓને મુસલમાનોએ હિંદુઓને મંદિર બનાવવા માટે છોડી દેવી જોઈએ. જોકે તેમણે હિંદુઓને પણ સલાહ આપી અને કહ્યું કે, દરેક મસ્જિદની નીચે મંદિર જોવાનું છોડી દેવું જોઈએ. જે મસ્જિદો પર દાવા માટે કેસ ફાઈલ કરી રહ્યા છો, તેને પણ છોડી દેવા જોઈએ.
કે.કે. મોહમ્મદે કરેલી કામગીરી
કે.કે. મોહમ્મદ એએસઆઇના સર્વેયર રહી ચૂક્યા છે. તેઓ પ્રસિદ્ધ ભારતીય પુરાતત્ત્વવિદ્ છે અને એએસઆઇના પુર્વ ક્ષેત્રીય ડાયરેક્ટર (ઉત્તર) રહી ચૂક્યા છે. અયોધ્યામાં ખોદકામ દરમિયાન તેઓ બી.બી. લાલની ટીમમાં હતા, જ્યાં તેમણે રામમંદિરનાં પ્રમાણ આપ્યાં. ચંબલ ઘાટીમાં બટેશ્વર મંદિરોની પુનઃ સ્થાપનામાં તેમનું મોટું યોગદાન છે. એ કારણે તેમને ‘ટેમ્પલ મેન ઓફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે.


