મથુરા કોર્ટે ઈદગાહ મસ્જિદ દૂર કરવાની અરજી સ્વીકારી

Thursday 26th May 2022 06:04 EDT
 
 

મથુરા: ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી - શ્રૃંગાર ગૌરી પરિસર કેસના વિવાદ વચ્ચે મથુરાની જિલ્લા અદાલતે કટરા કેશવદેવ મંદિરને અડીને આવેલા પરિસરમાંથી ઈદગાહ મસ્જિદ દૂર કરવાની અરજી સ્વીકારી લીધી છે. નીચલી અદાલતે અગાઉ આ અરજી નકારી કાઢી હતી. મૂળભૂત રીતે નીચલી અદાલતમાં સપ્ટેમ્બર 2020માં આ અરજી કરાઈ હતી. મથુરાની જિલ્લા અદાલતે 19 મેના રોજ અરજી સ્વીકારી હોવાથી હવે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં કેસની ટ્રાયલ શરૂ થશે. આગામી સુનાવણી પહેલી જુલાઈએ થશે.
કૃષ્ણના જન્મસ્થાન પર મસ્જિદ
અરજીમાં દાવો કરાયો છે કે મસ્જિદની જગ્યા પર જ એ જેલ હતી, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. વધુમાં ઈદગાહનું નિર્માણ કેશવદેવ મંદિરની જમીન પર કરાયું છે, જે ભગવાન કૃષ્ણનું જન્મસ્થાન છે. આ અરજીમાં ૨.૩૭ એકર જમીનને મુક્ત કરવાની માગણી કરાઈ છે.
અરજીમાં કહેવાયું છે કે શ્રીકૃષ્ણ વિરાજમાનની કુલ 13.37 એકર જમીનમાંથી અંદાજે 11 એકર જમીન પર શ્રીકૃષ્ણ જન્મસ્થાન સ્થાપિત છે. જ્યારે શાહી ઈદગાહ મસ્જિદ 2.37 એકર જમીન પર બનેલી છે. આ 2.37 એકર જમીનને મુક્ત કરાવીને શ્રીકૃષ્ણ જન્મસ્થાનમાં સામેલ કરવાની માગણી અરજીમાં કરાઈ છે.

મસ્જિદ પરિસર સીલ કરવા માગ
વારાણસીના જ્ઞાાનવાપી પરિસરની જેમ મથુરાના વિવાદાસ્પદ ઈદગાહ મસ્જિદ પરિસરને પણ સીલ કરવાની માગ સાથે મથુરાની કોર્ટમાં અરજી થઈ છે. હિન્દુ અરજદારોનો દાવો છે કે પરિસરને સીલ નહીં કરાય તો ગર્ભગૃહ અને અન્ય પુરાતાત્વિક મંદિરના અવશેષોને નુકસાન પહોંચાડાશે કે દૂર કરાશે. આ મુદ્દે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.
હિન્દુ અરજદારોનું કહેવું છે કે, જ્ઞાાનવાપી મસ્જિદમાં જે રીતે હિન્દુ શિવલિંગના અવશેષ મળ્યા છે, તેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે કે ત્યાં મુસ્લિમ પક્ષ શરૂથી જ આ કારણે સર્વેનો વિરોધ કરતો હતો. આ જ સ્થિતિ શ્રીકૃષ્ણ જન્મભૂમિની છે, જે અસલી ગર્ભગૃહ છે. ત્યાં બધા જ હિન્દુ ધાર્મિક અવશેષ કમળ, શેષનાગ, ઓમ, સ્વસ્તિક વગેરે છે, જેમાંથી કેટલાકનો નાશ કરાયો છે.
હિન્દુ અરજદારોએ કહ્યું કે, હિન્દુ અવશેષોને દૂર કરાશે તો કેરેક્ટર ઓફ પ્રોપર્ટી ચેન્જ થઈ જશે અને અરજદારોનો ઉદ્દેશ્ય ખતમ થઈ જશે. આવી સ્થિતિમાં ઈદગાહમાં બધાના આવવા-જવા પર પ્રતિબંધ મૂકીને પરિસરની યોગ્ય સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ અથવા પરીસરને સીલ કરી દેવું જોઈએ. આ ઉપરાંત કેસમાં પહેલી જુલાઈના બદલે તુરંત સુનાવણીની પણ માગ કરાઈ છે. આ પહેલા અલ્હાબાદ હાઈ કોર્ટમાં અરજદાર મનીષ યાદવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુની ઈદગાહ મસ્જિદમાં કોર્ટ કમિશનર મારફત સરવે કરાવવાની માગણી કરી હતી.
દરમિયાન ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાંસદ સાક્ષી મહારાજે દિલ્હીની જામા મસ્જિદ પહેલા વિષ્ણુ મંદિર હોવાનો દાવો કરીને નવો વિવાદ છેડયો છે. યમુના નદી કિનારે વિષ્ણુ ભગવાનનું મંદિર હતું, પરંતુ મુસ્લિમ હુમલાખોરોએ તેને તોડીને ત્યાં મસ્જિદ બનાવી દીધી. તેમણે ઉમેર્યું કે દેશમાં અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હતી. જ્ઞાનવાપીમાં સર્વે પછી આ હકીકત સામે આવી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter