નવી દિલ્હીઃ અયોધ્યાની જેમ મથુરામાં પણ મંદિર-મસ્જિદનો વિવાદ ચાલે છે. આ સ્થિતિ વચ્ચે મથુરાના પૂજારીઓએ કેટલાક સંગઠનો પર મથુરાની શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હોવાના ૨૮મીએ અહેવાલ હતા. જ્યારે અન્ય એક સંગઠને કોર્ટમાં થયેલી અરજીમાં પાર્ટી બનાવવાની તૈયારી દર્શાવી છે. અગાઉ મથુરાની કોર્ટમાં એક અરજીમાં દાવો કરાયો હતો કે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ ખરેખર કૃષ્ણનું જન્મસ્થળ છે. આ મસ્જિદ કૃષ્ણ મંદિરમાં જ આવેલી છે અને તેને હટાવવી જોઈએ. આ અરજીમાં હવે જોડાવું કે નહીં તેનો નિર્ણય લેવા ૧૫મી ઓક્ટોબરે એક બેઠક યોજાશે. આ માટે અખિલ ભારતીય અખાડા પરિષદ કૃષ્ણ જન્મસ્થાને જશે અને સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી આગળનો નિર્ણય લેશે. જ્યારે મથુરાના પૂજારીઓના એક મોટા સંગઠન અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાના પ્રમુખ મહેશ પાઠકે કહ્યું હતું કે, અમારા મથુરાની શાંતિ ડહોળવા માટે બહારના લોકો અહીં આવી આ વિવાદને જગાવવા માંગે છે. અહીં હિંદી મુસ્લિમો સાથે મળીને રહે છે અને અમારી વચ્ચે કોઈ જ વિખવાદ નથી ચાલી રહ્યો.