મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતલોન માફ

Wednesday 19th December 2018 06:05 EST
 
 

ભોપાલ/જયપુર/રાયપુરઃ હાલમાં જ સંપન્ન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓની મુખ્ય પ્રધાનપદે વરણી કરવામાં આવી હતી. સોમવારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદે કમલનાથ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે અશોક ગેહલોત નાયબ મુખ્ય પ્રધાન તરીકે સચિન પાઇલટ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન તરીકે ભૂપેશ બઘેલે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા.
મધ્ય પ્રદેશમાં કમલનાથે શપથ લીધાના બે કલાકમાં જ ખેડૂતોની દેવામાફીના કાગળો પર સહીઓ કરી હતી અને તમામ ખેડૂતોની રૂ. ૨ લાખ સુધીની કૃષિલોન માફ કરી હતી. ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય લઈને કોંગ્રેસે ખેડૂતોને આપેલું ચૂંટણીનું વચન પાળ્યું હતું.
કમલનાથે મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસીને શાયરાના અંદાજમાં તેમની મહત્ત્વાકાંક્ષાઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, હમને અપના વચન નિભાયા હૈ, કિસાનો કા કર્જ ચુકાયા હૈ, ઉમ્મીદો કા બીજ લગાયેંગે ખેતોમેં ખુશિયાં લૌટાયેંગે. તેમણે કહ્યું કે વર્ષો જૂની સિસ્ટમ બદલવાની છે. વિચારધારા પણ બદલવાની છે. રાજ્યના મુખ્ય સચિવે તરત જ આદેશનો અમલ કર્યો હતો. ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીની તમામ ખેડૂતોની સરકારી અને સહકારી બેન્કોમાંથી લીધેલી રૂ. ૨ લાખ સુધીની લોન માફ કરાઈ હતી. કમલનાથને રાજ્યપાલ આનંદીબહેન પટેલે ભોપાલનાં જમ્બૂરી મેદાન ખાતે શપથ લેવરાવ્યા હતા. કમલનાથે હિન્દીમાં શપથ લીધા હતા. શપથવિધિ પહેલાં સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી. અહીં કોંગ્રેસને ૧૧૪ અને ભાજપને ૧૦૯ સીટો મળી હતી.
રાજસ્થાનમાં ખેડૂતલોન માફીનો નિર્ણય
રાજસ્થાનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત મુખ્ય પ્રધાન તરીકે અને સચિન પાઇલટે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ગેહલોત ત્રીજી વખત રાજસ્થાનના મુખ્ય પ્રધાન બન્યા હતા. જયપુરના આલ્બર્ટ હોલમાં તેમને રાજ્યપાલ કલ્યાણસિંહે શપથ લેવરાવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપ નેતા વસુંધરા રાજે સિંધિયાએ તમામ મતભેદો કોરાણે મૂકીને હાજરી આપી હતી. ગેહલોતે આ અગાઉ ૧૯૯૮માં અને પછી ૨૦૦૮માં રાજસ્થાનમાં સત્તા સંભાળી હતી. ગેહલોતે લોકોને ચૂંટણી વખતે આપેલાં વચનોનું પાલન કરવાની ખાતરી આપી હતી. કોંગ્રેસને અહીં ૧૦૦ સીટો મળી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને રાજસ્થાનનાં લોકોનો આભાર માન્યો હતો અને લોકોનा વચનો પૂરાં કરવાની ખાતરી આપી હતી.
છત્તીસગઢમાં સીટની તપાસના આદેશ
છત્તીસગઢમાં કોંગ્રેસના મહારથી અને કોંગ્રેસને વિજયની વરમાળા પહેરાવવા ભારે મહેનત કરનાર ભૂપેશ બઘેલ મુખ્ય પ્રધાન બન્યા હતા. વરસાદને કારણે તેમણે બી. એસ. જુનેજા ઇન્ડોર સ્ટેડિયમમાં શપથ લીધા હતા. ટી. એસ. સિંઘદેવ અને તામ્રધ્વજ સાહુએ પણ પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. કોંગ્રેસે અહીં ભારે બહુમતીથી જીતીને ભાજપનાં સૂપડાં સાફ કર્યાં હતાં અને ૧૫ વર્ષનાં એકચક્રી શાસનનો અંત આવ્યો હતો. શપથવિધિમાં રાહુલ ગાંધી અને મનમોહનસિંહ સહિત અન્ય ૧૨ પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આનંદીબહેન પટેલે તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવરાવ્યા હતા. આ પ્રસંગે વિદાય લેનાર ભાજપ નેતા રમણસિંહ હાજર રહ્યા હતા.
છત્તીસગઢની તિજોરી પર રૂ. ૬,૧૦૦ કરોડનો બોજ
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ સરકારની તિજોરી પર રૂ. ૫૬,૦૦૦ કરોડનો બોજ પડશે અને છત્તીસગઢની તિજોરી પર રૂ. ૬,૧૦૦ કરોડનો બોજ પડશે મધ્ય પ્રદેશમાં ખેડૂતોનું રૂ. ૨ લાખ સુધીનું દેવું માફ કરવાથી ૩૩ લાખ ખેડૂતોને લાભ થશે. તેમનાં પર રૂ. ૭૦,૦૦૦ કરોડનાં દેવાનો બોજ છે જે હળવો થશે. જોકે સરકારની તિજોરી પર આને કારણે વધારાનો રૂ. ૫૬,૦૦૦ કરોડનો બોજ પડશે તેવો અંદાજ છે.
રાજ્યમાં નવાં રોકાણને પ્રોત્સાહન આપીને ૭૦ ટકા નવી રોજગારી એમપીનાં લોકોને આપવામાં આવશે. અહીં બિહાર અને યુપીનાં લોકોને રોજગારી મળે છે જ્યારે સ્થાનિકો બેકાર છે તેમની બેકારી દૂર કરવાની ફાઈલ પર પણ મેં સહી કરી છે તેમ કમલનાથે તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાર સાથે ઉત્સાહમાં જણાવ્યું હતું. કમલનાથે હળવો કટાક્ષ કરતાં એવું પણ પૂછયું હતું કે, બેન્કોને ઉદ્યોગપતિઓની કરોડોની લોન માફ કરવામાં કોઈ તકલીફ પડતી નથી પણ ખેડૂતોનું દેવું માફ કરવા માટે કેમ પેટમાં દુઃખે છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter