ભોપાલઃ પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવને કારણે ગ્રાહકો ઓછા થતાં મધ્ય પ્રદેશના પેટ્રોલપંપ ડીલરો ગ્રાહકોને લલચામણી ઓફર આપી રહ્યાં છે. ઇંધણોના વેચાણમાં ઘટાડો થતાં વેપારમાં ટકી રહેવા માટે ટુ વ્હિલર, ફોર વ્હિલર માલિકો અને ટ્રક ડ્રાઇવરને જાત જાતની ઓફર આપવામાં આવી રહી છે. પેટ્રોલ પંપ માલિક અનુજ ખંડેલવાલ કહે છે કે મારા પેટ્રોલપંપ પર ૧૦૦ લીટર ડીઝલની ખરીદી કરનાર ટ્રક ડ્રાઇવરને મફતમાં ચા નાસ્તાની ઓફર મૂકી છે.
તે ઉપરાંત અમે જાતજાતની સ્કીમ પણ શરૂ કરી છે જે અંતર્ગત ૫,૦૦૦ લીટર પેટ્રોલની ખરીદી પર મોબાઇલ ફોન, સાઇકલ અને કાંડા ઘડિયાળ, ૧૫,૦૦૦ લીટર પેટ્રોલની ખરીદી પર અલમારી, સોફાસેટ અથવા ૧૦૦ ગ્રામ ચાંદીનો સિક્કો આપવામાં આવશે. ૨૫,૦૦૦ લીટર ડીઝલની ખરીદી પર ઓટોમેટિક વોશિંગ મશીન, ૫૦,૦૦૦ લીટર ડીઝલની ખરીદી પર સ્પ્લિટ એસી અથવા લેપટોપ અને ૧,૦૦,૦૦૦ લીટર ડીઝલની ખરીદી પર સ્કૂટર અથવા મોટરસાઇકલ આપવામાં આવશે. નવી ઓફર પછી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો થયો છે. ઓફરનો લાભ લેવા માટે ડ્રાઇવર ૧૦૦ લીટર પેટ્રોલ ખરીદી રહ્યાં છે.