મનદીપના શિરચ્છેદ પાછળ મસૂદની આશંકા

Thursday 03rd November 2016 07:16 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે શહીદ ભારતીય જવાન મનદીપસિંહની હત્યા અને શિરચ્છેદ પાછળ પાકિસ્તાનની ધરતી પર સક્રિય આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ અને તેના સરગણા મસૂદ અઝહરની સંડોવણી છે. મનદીપસિંહની હત્યા માટે તેમણે પાકિસ્તાની સેનાની મદદ લીધી હતી. ૨૫મીએ સાંજે પીઓકેમાંથી ભારતમાં ઘૂસેલા કેટલાક આતંકવાદીઓએ મનદીપસિંહની હત્યા કરી હતી અને તેના મૃતદેહને ક્ષતવિક્ષત કરી નાખ્યો હતો. કેટલાક અહેવાલો પ્રમાણે મનદીપનો શિરચ્છેદ કરી આતંકવાદીઓ માથું પોતાની સાથે લઈ ગયા હતા.
અખબારી અહેવાલો પ્રમાણે ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર જૈશે મોહમ્મદ અને લશ્કરે તૈયબાના ૩૦૦ જેટલા આતંકવાદી એલઓસી પર બનેલાં લોન્ચિંગ પેડ પર ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ અત્યાર સુધીમાં સેનાનો એક અને બીએસએફના ૩ જવાન શહીદ થયા છે, તે ઉપરાંત ૩ ભારતીય નાગરિકના મોત થયાં છે. પાકિસ્તાન દ્વારા થઇ રહેલા યુદ્ધવિરામનાં ઉલ્લંઘનમાં ૧૯ જવાન અને ૪૧ નાગરિક ઘાયલ થયા છે. સરહદ પરનાં ૧૫૦ ગામોનાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાં છે. હરિયાણાનાં કુરુક્ષેત્રમાં રવિવારે શહીદ મનદીપના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ સમયે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે પરિવારની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે પરિવારને રૂપિયા ૫૦ લાખનું વળતર અને એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી હતી. મનદીપે થોડા મહિના પહેલાં જ નવું મકાન બનાવ્યું હતું. સાત મહિના બાદ તેને રજા મળી હતી અને તે ઘેર પહોંચી ગૃહપ્રવેશ કરવાનો હતો, પરંતુ સરહદ પર તણાવ વધતાં તેની રજા રદ થઈ હતી.
જનજીવન અસ્તવ્યસ્ત
કાશ્મીરમાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે સતત અથડામણ ચાલુ છે. અહીંના જંગલ વિસ્તારોમાં સલામતી દળોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ ચાલુ થયેલાં તોફાનો બાદ કાશ્મીરમાં સતત ૧૧૭મા દિવસે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું.
 ૨૭મીએ સવારે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી સુંદરબની, પલ્લનવાલા અને નૌશેરા સેકટરમાં ભયાનક તોપમારો કર્યો હતો. જેને કારણે એક બાળકીને ઈજા પહોંચી હતી. અખનૂર જિલ્લામાં પાંચ જવાનને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter