નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા રોબર્ટ વાડરાની ૩૦મીએ ૧૨મી વખત પૂછપરછ કરવામાં આવી છે. કોંગ્રેસના મહામંત્રી વાડરા ૩૦મીએ ઈડીની ઓફિસમાં હાજર રહ્યા હતા. ઈડી દ્વારા વાડરાની ગેરકાયદે સંપત્તિ અને જમીન સોદાનાં કેસમાં તપાસ ચાલી રહી છે. પૂછપરછ માટે ૨૯મી મેએ તેને ઈડીએ સમન્સ બજાવ્યો હતો. લંડન, દુબઈ, એનસીઆર, બિકાનેર સહિત અનેક સ્થળે ખરીદવામાં આવેલી જમીન મામલે પૂછપરછ કરાઈ રહી છે. વાડરાએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. પોતાની સામેનો કેસ રાજકીય ઇરાદાપૂર્વકનો હોવાનું અને ૭૦ કલાકની પૂછપરછમાં ઈડીને મારી વિરુદ્ધ કશું મળ્યું નથી તેમ વાડરાએ કહ્યું હતું.
દેશની ન્યાયપાલિકા પર વિશ્વાસ: વાડરા
ઈડીની ઓફિસમાં જતાં પહેલાં વાડરાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, તપાસ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી મને ૧૧ વખત બોલાવવામાં આવ્યો છે અને ૭૦ કલાક પૂછપરછ કરાઈ છે મને દેશની ન્યાયપાલિકા પર વિશ્વાસ છે. મારા પર લગાવેલા આરોપો ખોટા પુરવાર નહીં ઠરે ત્યાં સુધી તપાસમાં સહયોગ આપતો રહીશ. તેમણે પોસ્ટ સાથે પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો પણ મૂકયો છે.
વાડરાની માતાની પૂછપરછ કરાઈ હતી
તપાસ સંસ્થાઓ દ્વારા ફેબ્રુઆરીમાં વાડરા અને તેમના માતાની પૂછપરછ કરાઈ હતી. ત્યારે પ્રિયંકા ગાંધી વાડરા પણ ઈડી ઓફિસ સુધી તેમની સાથે હતા. ઈડીનો દાવો છે કે રોબર્ટ વાડરા લંડનમાં સીધી કે આડકતરી રીતે ૯ મિલકતોનાં માલિક છે.
ઈડી પાસે વાડરાની બેનામી સંપત્તિની વિગતો
વાડરા સામે લંડનમાં ૧૨ બ્રિન્સ્ટન સ્કવેરમાં ૧૦ લાખ ૯૦ હજાર પાઉન્ડમાં ખરીદેલી મિલકતમાં મોટાપાયે પૈસા રોક્યા હોવાનો આરોપ છે. આ મિલકત ખરેખર વાડરાની છે તેવો ઈડીનો દાવો છે. ઈડીનાં જણાવ્યા મુજબ સ્કાયલાઇટનાં કર્મચારી મનોજ અરોરાની આ કેસમાં મહત્ત્વની ભૂમિકા છે.


