મુંબઇઃ ‘સ્ટીફન હોકિંગ તો મારા ગુરુ હતા. બ્લેકહોલ વિશેના મારા સંશોધનમાં સ્ટીફન હોકિંગે બહુ સહાય કરી છે. તેમના આશિષ તો મારા પર આજીવન રહેશે. હું તો એમ સમજું છું કે તેમણે અનંત અંતરીક્ષને સમજવા સતત યજ્ઞરૂપ કાર્ય કર્યું એ જ બ્રહ્માંડમાં તેમનો આત્મા વિલિન થઈ ગયો છે. એક ગુરુ તરીકે સ્ટીફન અનંત હતા અને અનંતમાં જ ભળી ગયા. જોકે, તે પહેલાં પણ તેમણે મને અનંતનો સાક્ષાત્કાર કરાવ્યો તેના માટે હું તેમનો હંમેશા ઋણી રહીશ. મારા ગુરુને મારી આ જ અંજલિ છે. સ્ટીફન હોકિંગે વિજ્ઞાન જગતની જે સેવા કરી છે તે સુવર્ણ અક્ષરે લખાશે.’
ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર-મુંબઈ)ના સિનિયર ગુજરાતી ખગોળ-ભૌતિકશાસ્ત્રી ડો. પંકજ જોશીએ હોકિંગને ભાવાંજલી આપતાં આ શબ્દો કહ્યા હતા.
પંકજ જોશીએ કહ્યું હતું કે મારા બ્લેક હોલ વિશેના સંશોધનને ધ્યાનમાં રાખીને સ્ટીફન હોકિંગે મને ૧૯૮૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આમંત્રણ આપીને બોલાવ્યો હતો. મારા માટે એ મોટું સન્માન હતું. અમે યુનિવર્સિટીમાં કલાકો સુધી બ્લેકહોલ અને મારી નેકેડ સિંગ્યુલારિટીની થિયરી વિશે ગ્રૂપમાં ચર્ચા કરતા. ક્યારેક અમે બંને પણ આ થિયરી વિશે ગહન ચર્ચા કરતા. ક્યારેક અમે બંને થેમ્સ નદીના કાંઠે બેસી બ્લેકહોલ વિશે ચર્ચા કરતા. મને તેમની પાસેથી આકાશ ભરાય તેટલું જ્ઞાન મળ્યું છે.’
ઉલ્લેખનીય છે કે બ્લેક હોલ અને તારાના મૃત્યુ પછીની સ્થિતિ અંગે પંકજ જોશીનું સંશોધન આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલું છે. ડો. હોકિંગના સંશોધનનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજાવતા ડો. જોશીએ કહ્યું હતું કે ૧૯૭૦માં ડો. હોકિંગે એવી થિયરી રજૂ કરી કે આપણા સૂર્ય કરતાં લગભગ ત્રણ-ચાર ગણા વધુ મોટા તારા (સ્ટાર્સ)નું મૃત્યુ થાય ત્યારે તે બ્લેક હોલ બને છે. વળી, આ થિયરીમાં તેમણે બ્લેક હોલની ગતિવિધિ અને તેમાં કયા કયા પાસાંઓ હોય છે તેની વિગતો પણ પહેલી જ વખત સમગ્ર વિશ્વને આપી.
છેવટે ખુદ સ્ટીફન સાહેબે અને બ્રહ્માંડમાંથી આવતા ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ માટે જેમને નોબલ પ્રાઈઝ મળ્યું તે કીપ થોર્નેએ બંનેને જાહેરમાં મારી નેકેડ સિંગ્યુલારિટી નામની થિયરી સ્વીકારી હતી. એક ભારતીય વિજ્ઞાની તરીકે મને પૂર્ણ સંતોષ થયો. સત્યની શોધ ભણીની મારી વિજ્ઞાનયાત્રા માટે જે તપ કર્યું તેનો સાક્ષાત્કાર થયો. હું બહુ નસીબદાર છું કે મેં પૃથ્વી પર મારા ગુરુ સ્ટીફનના રૂપમાં અનંત, અજીબોગરીબ અને રહસ્યમય અંતરીક્ષના સાક્ષાત દર્શન કર્યાં છે. તેમનું શરીર આ પૃથ્વી પર હતું પણ મન સતત અફાટ બ્રહ્માંડમાં ફરતું રહેતું.’