કોલકાતાઃ પહેલી ઓક્ટોબરે મોહરમના તહેવારને ધ્યાનમાં લઈને ૩૦ સપ્ટેમ્બર રાતના ૧૦ કલાકથી ૧ ઓક્ટોબર રાતના ૧૨ કલાક સુધી દુર્ગા પ્રતિમાનાં વિસર્જન પર રોક લગાવતાં પશ્ચિમ બંગાળ સરકારના આદેશને કોલકતા હાઈ કોર્ટે ૨૧મી સપ્ટેમ્બરે રદ કરી નાંખ્યો હતો. કોલકતા હાઇ કોર્ટે તેના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, મોહરમ સહિત તમામ દિવસોમાં રાતના ૧૨ કલાક સુધી દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરી શકાશે. જો કે પૂજાના આયોજકોએ દરરોજ મધરાત સુધીમાં વિસર્જનનાં સ્થળે પહોંચી જવાનું રહેશે. હાઈ કોર્ટે પહેલી ઓક્ટોબરના રોજ મોહરમ અને દુર્ગા વિસર્જનનાં સરઘસો માટે અલગ અલગ રૂટ નક્કી કરવા પોલીસને આદેશ આપતાં જણાવ્યું હતું કે, સરકાર રાજ્યના સૌથી મોટા તહેવાર નિમિત્તે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પૂરતું આયોજન કરે.
કોલકતા હાઈ કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ રાકેશ તિવારી અને જજ ટંડનની બેન્ચે રાજ્ય સરકારને મોહરમનાં જુલૂસ અને દુર્ગા વિસર્જનનાં સરઘસો માટે અલગ રૂટ તૈયાર કરવા અને બંને વચ્ચે સંઘર્ષ ટાળવા આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, ૩૦મી સપ્ટેમ્બરે દશેરા અને પહેલી ઓક્ટોબરે મોહરમના રોજ પણ દુર્ગાની પ્રતિમાનું વિસર્જન જારી રહેશે.