મુંબઈ: મરાઠા આરક્ષણની માગ કરતા ૨૩મીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક યુવકે ગોદાવરી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. યુવકના મોત પછી લોકો ખૂબ નારાજ થઈ ગયા અને તેમણે મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ગાડીઓ અને બસોમાં તોડફોડ કરી હતી.
ચંદ્રકાન્ત ખેર પર હુમલો
ઔરંગાબાદમાં જ્યારે શિવસેનાના નેતા ચંદ્રકાન્ત ખેર આરક્ષણની માગમાં મૃત્યુ પામેલા દીકરાના અંતિમ સંસ્કારમાં જતા હતા ત્યારે સ્થાનિકો દ્વારા તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવકના મોત પછી મરાઠા ક્રાંતિ મોર્ચાએ મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કોલ્હાપુર, સતારા, સોલાપુર, પુણે અને મુબંઈમાં હાલ સ્થિતિ તણાવપૂર્ણ છે. આ દરમિયાન મરાઠા સમુદાયની નારાજગી જોઈને ઔરંગાબાદના ઉદય ચૌધરીએ મરાઠા ક્રાંતિ મોર્ચાની
મોટા ભાગની માગણીઓ માની લીધી છે.
ઉદય ચૌધરીએ જણાવ્યું છે કે, સરકાર મૃતક કાકાસાહેબ શિંદેના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર આપશે. તે સાથે જ તેના નાના ભાઈને સરકારી નોકરી પણ આપવામાં આવશે. નોંધનીય છે કે, આમ તો મરાઠા આરક્ષણની માગણી ઘણાં સમયથી થઈ રહી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આંદોલન તેજ થઈ ગયું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ લોકોએ નારાજગી વ્યક્ત કરીને તેમના રાજીનામાની માગણી કરી છે.
બીજી બાજુ કોંગ્રેસે ફડણવીસ પર મરાઠા આરક્ષણ વિશે આકરા પ્રહાર કર્યાં છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે, ફડણવીસે જાતે આરક્ષણ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ આજે તેઓ તેમના વચનનું જ પાલન નથી કરી રહ્યા.