મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભાની ચૂંટણી જાહેરઃ ૨૧મી ઓક્ટોબરે મતદાન

Wednesday 25th September 2019 08:37 EDT
 

નવી દિલ્હીઃ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ૨૧મીએ નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠક માટે ૨૧મી ઓક્ટોબરે એક જ ચરણમાં મતદાન યોજાશે. આ સાથે ૧૭ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૬૪ બેઠકો માટે પણ મતદાન યોજાશે. મતગણતરી મતદાનના ૩ દિવસ બાદ ૨૪મી ઓક્ટોબરે હાથ ધરાશે.
ગુજરાતની ખેરાલુ, થરાદ, લુણાવાડા, અમરાઈવાડી, રાધનપુર અને બાયડની પણ પેટાચૂંટણી આ સાથે યોજાશે. અરોરાએ જણાવ્યું કે, ચૂંટણીઓ માટેનું જાહેરનામું ૨૭મી સપ્ટેમ્બરે બહાર પડાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૪ ઓક્ટોબર અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૭ ઓક્ટોબર રહેશે. ચૂંટણીની તારીખો જાહેર થતાંજ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચાર સંહિતા લાગુ થઈ છે. હરિયાણા વિધાનસભાની મુદત બીજી નવેમ્બર અને મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત ૯મી નવેમ્બરે પૂરી થાય છે. અરોરાએ જણાવ્યું કે, પ્લાસ્ટિકના ઉપયોગના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. અમે રાજકીય પાર્ટીઓને ચૂંટણી પ્રચારની સામગ્રીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ફક્ત એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મટીરિયલનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
ચૂંટણી જાહેર થતાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૧મીએ જ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભાજપ અને શિવસેના આગામી વિધાનસભાની ચૂંટણી સાથે જ લડશે. જોકે બેઠકોની વહેંચણી વિશે હજી પણ વાટાઘાટ ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter