મહારાષ્ટ્ર અને હરિયાણામાં ફરી ભગવો લહેરાશે: એક્ઝિટ પોલનું તારણ

Wednesday 23rd October 2019 06:04 EDT
 
 

મુંબઈ, ચંડીગઢ: મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ વિધાનસભા બેઠકો માટે સોમવારે બંને રાજ્યમાં મતદાન યોજાયું હતું. સાંજે મતદાન પૂરું થયાની થોડીક મિનિટોમાં જ જાહેર થયેલા એક્ઝિટ પોલનાં પરિણામોમાં મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ-શિવસેના યુતિ સરકાર અને હરિયાણામાં ભાજપ સરકાર સત્તાના સૂત્રો સંભાળશે તેવો વરતારો રજૂ થયો છે. બન્ને રાજ્યોમાં શાસક ભાજપના નેતૃત્વ હેઠળનો એનડીએ પ્રચંડ બહુમતી સાથે શાસનધૂરા સંભાળશે તેવું જણાવાયું છે.
ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ ભાજપ અને શિવસેનાનાં ગઠબંધનને કુલ ૨૮૮માંથી ૨૩૦ બેઠકો મળવાનો અંદાજ રજૂ કરાયો છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેના ફાળે ફક્ત ૪૮ બેઠકો જવાનું તારણ છે.
બીજી તરફ, મોટા ભાગના એક્ઝિટ પોલ હરિયાણામાં ભાજપ-શાસિત ખટ્ટર સરકારને બે-તૃતિયાંશ બહુમતી મળવાના સંકેતો છે.

ભાજપ-શિવસેનાને ૫૪.૨૦ ટકા મતહિસ્સો

ટાઈમ્સ નાઉનાં તારણ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ-સેના ગઠબંધનને ૫૪.૨૦ ટકા મતહિસ્સો જ્યારે કોંગ્રેસ-એનસીપીને ૨૯.૪૦ ટકા અને અન્યને ૧૬.૪૦ ટકા મતહિસ્સો મળવાનું તારણ રજૂ થયું છે.

મહારાષ્ટ્રમાં ૬૩ ટકા, હરિયાણામાં ૬૨ ટકા

મહારાષ્ટ્રની ૨૮૮ અને હરિયાણાની ૯૦ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાયું હતું. જેમાં પ્રાથમિક આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં ૬૩ ટકા અને હરિયાણામાં ૬૨ ટકા મતદાન થયું હતું. હરિયાણાના મેવાત જિલ્લામાં ૪ મતદાન મથકોએ હરીફ ગ્રૂપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જ્યારે મહારાષ્ટ્રમાં પિંપરીના ચિંચવાડ ખાતે શિવસેના અને એનસીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એનસીપી નેતાને ઈજા થઈ હતી. બીડ અને જાલનામાં પણ શિવસેના અને એનસીપીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
હરિયાણાના નુહમાં ભાજપ અને કોંગ્રેસના ટેકેદારો વચ્ચે પથ્થરમારો થયો હતો. હરિયાણામાં સત્તાધિશ ભાજપે તમામ બેઠક પર ચૂંટણી લડી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપે ૧૫૦ અને શિવસેનાએ ૧૨૬ બેઠકો પર તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકો માટે ૩૨૩૭ ઉમેદવારો

મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠક માટે ૩૨૩૭ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ૧૪૦૦ અપક્ષ હતા. એક તરફ, ભાજપ-શિવસેના ગઠબંધન તો બીજી બાજુ કોંગ્રેસ-એનસીપીનું ગઠબંધન ચૂંટણી લડ્યું હતું. બસપાએ સૌથી વધુ ૨૬૨ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જ્યારે ભાજપે ૧૫૦ અને શિવસેનાએ ૧૨૫, એનસીપીએ ૧૨૧ અને મનસેએ ૧૦૧ બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ૪૫ ટકાથી વધુ મતદારો મતદાન કર્યું હતું.

હરિયાણામાં ૯૦ બેઠકો ૧૧૬૯ ઉમેદવારો

હરિયાણામાં વિધાનસભાની ૯૦ બેઠકો માટે ૧૧૬૯ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસ તમામ ૯૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. રાજ્યના કુલ ૧.૮૩ કરોડ મતદારોમાંથી ૫૫ ટકાથી વધુએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હરિયાણામાં મુખ્ય પ્રધાન મોહનલાલ ખટ્ટર મતદાન કરવા માટે કરનાલ સુધી ટ્રેનમાં આવ્યા હતા અને સ્ટેશનથી મતદાન મથક સુધી સાઈકલ પર બેસીને પહોંચ્યા હતા. ચરખી દાદરીના ઉમેદવાર બબિતા ફોગટ, ગીતા ફોગટ અને તેમનો પરિવાર પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર હુડ્ડા, કોંગ્રેસ નેતા શૈલજા સહિત અનેક નેતાઓએ મતદાન કર્યું હતું.

૧૮ રાજ્યોમાં ૬૫ બેઠકો પર પેટા-ચૂંટણી

મહારાષ્ટ્ર અને હરિયાણાની સાથે સાથે જ દેશના ૧૮ રાજ્યોમાં ૬૫ વિધાનસભા બેઠકો તેમજ લોકસભાની બે બેઠકો માટે પેટા-ચૂંટણી યોજાઈ હતી. જેમાં કર્ણાટકમાં ૧૫, ઉત્તર પ્રદેશમાં ૧૧, બિહારમાં ૫, કેરળમાં ૫, પંજાબમાં ૪, ગુજરાતમાં ૬, આસામમાં ૪, સિક્કમમાં ૩, હિમાચલ પ્રદેશમાં ૨, રાજસ્થાનમાં ૨, તામિલનાડુમાં ૨, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા અને તેલંગણામાં ૧-૧ બેઠક પર મતદાન યોજાયું હતું. આ બધી જ બેઠકોના પરિણામો મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોની સાથે ૨૪મી તારીખે જાહેર કરાશે. તમામ બેઠકો પર નજર કરીએ તો સરેરાશ ૫૬.૮૪ ટકા મતદાન થયું છે. અરુણાચલ પ્રદેશમાં આવેલી ખોન્સા પશ્ચિમ બેઠક પર ૯૦ ટકા, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત ચિત્રકોટમાં ૭૪ ટકા, તેલંગાણાના હુઝુરનગરમાં ૮૪ ટકા મતદાન યોજાયું હતું.
મધ્ય પ્રદેશના ઝાબુઆમાં ૬૨ ટકા, મેઘાલયના શેલ્લામાં ૮૪.૫૬ ટકા મતદાન યોજાયું હતું. તેવી જ રીતે આસામની ચાર બેઠકો પર સરેરાશ ૭૫.૬૯ ટકા મતદાન યોજાયું હતું. હિમાચલ પ્રદેશમાં સરેરાશ ૭૦ ટકા મતદાન યોજાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter